Shaktisinh Gohil : વડોદરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, શક્તિસિંહ ગોહિલે ડિમોલિશન મામલે ભાજપ અને તંત્રની કાઢી ઝાટકણી

September 27, 2024

Shaktisinh Gohil : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં પૂરના પાણી ભરાવાને લઈને અનેક પ્રશ્નો તંત્ર સામે ઉભા થયા. વડોદરા તંત્રનો ભ્રષ્ટાચાર પૂરના પાણીને કારણે છતો થયો. વિશ્વામિત્રી નદીની આસપાસ ગેરકાયદેસર બાંધકામ બ્યુટીફિકેશનના નામે ઉભા કરી દેવામાં આવ્યા. હવે રહી રહીને તંત્રને આ મામલે ભાન થયું અને કેટલીક જગ્યાઓ 72 કલાકમાં ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવી. આજે આ જગ્યાઓ પર દબાણ દૂર કરવામાં આવ્યા. અને જેને લઈને શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદીની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેને લઈને ફરી એક વખત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપની ઝાટકણી કાઢી છે. શક્તિસિંહ ગોહિલે આ મામલે કહ્યું કે, વડોદરામાં આજે મોડા-મોડા પણ ગુજરાત સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકાર્યું કે શહેરનું પાણી જે વિશ્વામિત્રી નદીમાં જતું હતું તેને રોકતા ગેરકાયદેસર બિલ્ડીંગો બની ગયા છે. મોડા-મોડા જાગ્યા પછી માત્ર સિલેક્ટેડ થોડી જગ્યાઓમાં ડીમોલીશન કરીને સરકાર કે કોર્પોરેશન સંતોષ ન માને. આખો અગોરા મોલ ગેરકાયદેસર છે તેવું વડોદરાના નગરજનો અને નિષ્ણાતો માને છે ત્યારે માત્ર ક્લબ હાઉસને જ તોડીને રાજી થવા જેવું નથી. વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જતું હતું, તેમાં જે કોઈ બિલ્ડીંગ નડતરરૂપ બન્યા છે તે તમામને તોડી પાડવા જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરના પાણીના નિકાલ માટે જે ગ્રીન ઝોન હતો તેને ભ્રષ્ટાચારથી ઝોન ચેન્જ કરીને કોંક્રીટના મોટા બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા છે તે કોઈ સંજોગોમાં વ્યાજબી નથી. આજે ડીમોલીશન થઈ રહ્યું છે તેનો અર્થ સ્પષ્ટ છે કે તંત્રએ સ્વીકાર્યું છે કે વડોદરા શહેરના પાણી જવાના રસ્તે ગેરકાયદેસર બાંધકામ થયા હતા તો પછી આ બાંધકામો અગાઉ શા માટે તોડવામાં ન આવ્યા ? આના માટે જવાબદારો સામે શું પગલા ભરાશે ? જે પદાધિકારીઓ અને અધિકારીઓએ ભ્રષ્ટાચારથી આવા બિલ્ડીંગો ઉભા થવા દીધા અને તેના કારણે વડોદરા શહેરના લોકોને જે હાલાકી ઉભી થઈ તેના માટે જવાબદાર સામે ક્રિમીનલ કેસ કેમ નહીં ? વડોદરાના નગરજનોએ લોકશાહી ઢબે પોતાની તાકાત બતાવી અને ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકરોનો જબરદસ્ત બહિષ્કાર કર્યો ત્યારે માત્ર નગરજનોના રોષને શાંત કરવા દેખાવ પૂરતા ડીમોલીશનથી કશું જ ન ઉપજે. પાણી જવાનો સંપુર્ણ રસ્તો ખુલ્લો કરવામાં આવે તેમજ જે ગ્રીન ઝોન હતો તેને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરું છું.

આ પણ વાંચો : Vadodara Demolition : વડોદરામાં દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, અગોરા મોલનું ક્લબ હાઉસ તૂટ્યું, જાણો લોકોએ શું કહ્યું ?

Read More

Trending Video