Sabarkantha જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના આંતરિક વિવાદે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા આપતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મનમાનીના આક્ષેપથી અસંતોષ સપાટી પર
રાજીનામું આપનાર કોર્પોરેટરોએ પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ પર મનમાનીપૂર્વક નિર્ણય લેવાના આક્ષેપ કર્યા છે. કોર્પોરેટરોનું કહેવું છે કે નગરપાલિકાના મહત્વના મુદ્દાઓમાં ચૂંટાયેલા સભ્યોની અવગણના કરવામાં આવી રહી હતી. લાંબા સમયથી ચાલતા અસંતોષના કારણે આખરે 15 સભ્યોએ એકજૂથ થઈ વિરોધ નોંધાવ્યો હોવાનું માનવામાં આવે છે.
ભાજપની મજબૂત બહુમતી વચ્ચે બળવો
પ્રાંતિજ નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો છે. જોકે, આ 19માંથી જ 15 કોર્પોરેટરોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો ખોલતા પક્ષ માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. પ્રમુખપદની પસંદગી વખતે પણ પક્ષમાં ખેંચતાણ અને મતભેદની ચર્ચાઓ થઈ હતી, જે હવે ખુલ્લા વિરોધના રૂપમાં સામે આવી છે.

સંગઠન હરકતમાં, સમાધાનના પ્રયાસો શરૂ
એકસાથે મોટી સંખ્યામાં કોર્પોરેટરોએ રાજીનામા આપતાં ભાજપ સંગઠન પણ સક્રિય બન્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા અને સ્થાનિક સ્તરના નેતાઓ દ્વારા સમગ્ર મામલાની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. વિરોધ પાછળના કારણો, આંતરિક ગૃપબાજી અને સંભવિત દોરીસંચાર અંગે પણ તપાસ ચાલી રહી છે.
પક્ષના આગેવાનો દ્વારા અસંતોષ દૂર કરી મામલાને થાળે પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, આ વિવાદનું અંતિમ પરિણામ શું આવશે અને પક્ષ કઈ કાર્યવાહી કરશે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો : Census 2026 : ગુજરાત સહિત દેશભરમાં આજથી ડિજિટલ વસ્તી ગણતરી શરૂ, જાણો સમગ્ર માહિતી