સઘન સુરક્ષા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ વરદાયિની માતાની પલ્લીમાં ઘીનો અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો.
રૂપાલના માર્ગો પર જાણે ઘીની નદીઓ વહી હતી. પલ્લી ઉત્સવના ભક્તિમય વાતાવરણમાં હજારો શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો. પલ્લીમાં ઘીના અભિષેક બાદ રૂપાલ ગામના માર્ગો ઘીથી છલકાઈ ઉઠ્યા હતા.
ગાંધીનગરની પાસે આવેલા રૂપાલ ગામે દરવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમ પૂર્વક વરદાયિની માતાજીની પલ્લી ઉત્સવ યોજાયો હતો. સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ વરદાયિની માતાજીની પલ્લીના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા.
રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે.આસો સુદ નોમની રાતે છેલ્લા પાંચ હજાર વર્ષથી વરદાયિની માતાજીની પલ્લી ભરવાની પરંપરા છે. ગામના 27 જેટલા ચોક પર ઘીથી અભિષેકને લઈને સમગ્ર ગામમાં ઘીની નદીઓ ભરેલી જોવા મળે છે.
ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. આમ પલ્લીમાં ઘી નાખવાના નીયમથી વહેલી સવાર થતા જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર જેમ ઘી ની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.