અનંત અંબાણીના લગ્નને લઈ સંસદમાં બબાલ, BJP પર કેમ ભડક્યા કોંગ્રેસ નેતા

August 6, 2024

BJP: કોંગ્રેસે મંગળવારે અંબાણીના લગ્નને લઈને ભારતીય જનતા પાર્ટીના (BJP)સાંસદ નિશિકાંત દુબે પર નિશાન સાધ્યું હતું. આરોપ છે કે તેમણે લોકસભામાં ખોટો દાવો કર્યો હતો. દુબેએ કહ્યું હતું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપી હતી. મુખ્ય વિરોધ પક્ષે એમ પણ કહ્યું કે દુબેએ માફી માંગવી જોઈએ. નિશિકાંત દુબેએ અંબાણી પરિવારના કોંગ્રેસ મહાસચિવના લગ્ન સમારોહમાં હાજરી આપવાનો દાવો કર્યો હતો. નીચલા ગૃહમાં ફાઇનાન્સ બિલ પર ચર્ચામાં ભાગ લેતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના સાંસદો ગૃહમાં જૂઠું બોલે છે અને તેમને આમ કરવાની છૂટ પણ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના મહાસચિવે દેશના અગ્રણી ઉદ્યોગપતિના પરિવારના લગ્ન સમારોહમાં હાજરી આપી ન હતી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, ‘ભાજપ સાંસદ નિશિકાંત દુબેને જૂઠું બોલવાની લત છે. આજે તેમણે લોકસભામાં કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીજી અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. નિશિકાંત દુબે જી, જૂઠું બોલવાની આ ખરાબ આદત છોડો અને કાન પકડીને માફી માગો.
‘લગ્નમાં જાવ તો એમાં ચોરી નથી’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે પ્રિયંકા ગાંધી લગ્નમાં સામેલ થયા ન હતા અને તે સમયે તેઓ વિદેશમાં હતા. લોકસભામાં ફાયનાન્સ બિલ પર ચર્ચામાં ભાગ લેતી વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સુપ્રિયા સુલેએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોઈ પણ એવી મહિલા વિશે વાત ન કરવી જોઈએ જે આ ગૃહની સભ્ય નથી. સુલેએ એમ પણ કહ્યું કે, ‘જો કોઈ લગ્નમાં હાજરી આપે તો તેમાં કોઈ ચોરી નથી. જો વડાપ્રધાન લગ્નમાં હાજરી આપી શકે તો કોઈને ત્યાં જવામાં શું વાંધો છે? પરંતુ, ખોટી ચર્ચાઓ ન કરો. ભાજપની સમસ્યા એ છે કે તેઓ ખોટા નિવેદનો બનાવે છે અને લોકોની છબી ખરાબ કરે છે.

આ પણ વાંચો: Bangladesh Crisis: શેખ હસીનાની વધી મુશ્કેલીઓ, નહીં જઈ શકે લંડન

Read More

Trending Video