વડોદરામાં (Vadodara) ધોળા દિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો (Robbery) છે. ભીમનાથ બ્રિજ પાસે આંગડીયા પેઢી પાસેથી 16 લાખની લૂંટ થઈ છે. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો (Vadodara) સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ આ મામલે જોઇન્ટ પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે.
પોલીસ ચેકિંગના નામે અટકાવ્યો
વડોદરામાં ભીમનાથ બ્રીજ પાસે એચ. એમ. આંગડિયા પેઢીના કર્મચારીને બુલેટ બાઈક પર આવેલા બે શખ્સોએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગાડીની સ્પીડ બાબતે અટકાવી અને લૂંટ આચરવામાં આવી હતી. આંગડિયા પેઢીના હરપાલસિંહ નામના કર્મચારી અલ્કાપુરી બ્રાંચથી સુલ્તાનપુર બ્રાંચ સુધી પૈસા લઈ જતા હતા ત્યારે તેમની ગાડીનો પીછો કરી ચેકિંગના નામે તેમને અટકાવી લૂંટ આચરી હતી. બુલેટ સવાર રોકડ 16 લાખની લૂંટ કરી ફરાર થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા
આંગડિયા પેઢીનો કર્મચારી 36 લાખ રૂપિયા લઈને જઈ રહ્યો હતો ત્યારે લૂંટારુઓએ ચેકિંગના નામે તેને આંતરી બેગનું ચેકિંગ કરી તેમાંથી રોકડ કાઢી લઈને ફરાર થયા હતા. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ધોળા દિવસે લૂંટના બનાવથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.
તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતાં સાયાજીગંજ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આ મામલે જોઇન્ટ પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે રોડ પર લાગેલા CCTV કેમેરા ચકાસવાની શરૂઆત કરી છે.