Retired Air Marshal Jitendra Mishra બન્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO: ટ્રસ્ટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

September 2, 2026

Retired Air Marshal Jitendra Mishra: અયોધ્યા સ્થિત ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરના સંચાલન, સુરક્ષા અને સુવ્યવસ્થિત વહીવટ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદની રચના કરવામાં આવી છે અને આ પદ પર ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂકને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

39 વર્ષની શાનદાર લશ્કરી કારકિર્દી

એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા ભારતીય વાયુસેનામાં આશરે 39 વર્ષ સુધી રાષ્ટ્રની ગૌરવપૂર્ણ સેવા કર્યા બાદ ગત 30 એપ્રિલના રોજ નિવૃત્ત થયા હતા. તેઓ ભારતીય વાયુસેનાના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા પશ્ચિમી કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની પાસે 3,000 કલાકથી વધુ સમય ઉડાન ભરવાનો બહોળો અનુભવ છે. તેમણે પોતાના સેવાકાળ દરમિયાન 18 થી વધુ પ્રકારના ફાઇટર પ્લેન, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને મિલિટરી હેલિકોપ્ટર ઉડાવ્યા છે.

ઓપરેશન સફેદ સાગર અને કારગિલ યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા

જિતેન્દ્ર મિશ્રા દેશના અત્યંત સાહસિક અને રણનીતિકાર એર વોરિયર તરીકે જાણીતા છે. તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ‘ઓપરેશન સફેદ સાગર’ અને ટાઈગર હિલ પર ભારતીય સૈન્યની જીતમાં હવાઈ સહાય પૂરી પાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન તેમની અનુકરણીય સેવા અને નેતૃત્વ બદલ તેમને ગત સ્વાતંત્ર્ય દિને પ્રતિષ્ઠિત સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ (UYSM) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને વર્ષ 2024 માં ‘અતિ વિશિષ્ટ સેવા મેડલ’ (AVSM) અને વર્ષ 2013 માં ‘વિશિષ્ટ સેવા મેડલ’ (VSM) પણ એનાયત થઈ ચૂક્યા છે.

ઉચ્ચ લશ્કરી પદો પર બજાવી ચૂક્યા છે ફરજ

તેમણે ફાઇટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર, એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ (ASTE) ના ચીફ ટેસ્ટ પાયલટ અને કમાન્ડન્ટ, તેમજ ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ) જેવા સર્વોચ્ચ વ્યુહાત્મક પદો સંભાળ્યા છે. તેમનું શિક્ષણ અને સૈન્ય તાલીમ NDA ખડકવાસલા, એર ફોર્સ એકેડેમી ડુંડીગલ, અમેરિકાની જાણીતી એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ (Alabama, USA) અને યુનાઇટેડ કિંગડમની રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાંથી સંપન્ન થઈ છે. રામ મંદિરના નિર્માણ, વૈશ્વિક સ્તરના યાત્રાળુ વ્યવસ્થાપન, સંકુલ સુરક્ષા અને સુવ્યવસ્થિત આયોજન માટે તેમના આ વિશાળ વહીવટી અને વ્યૂહાત્મક અનુભવનો મહત્તમ લાભ મળશે.

આ પણ વાંચો: Gold Silver Price માં મોટો કડાકો: 2 દિવસમાં ચાંદી 9હજાર અને સોનું 4,500 રૂપિયા સસ્તું થયું, જાણો નવા દરો

Read More

Trending Video