Ravindra Jadeja : ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં 2 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં પણ વધુ લોકો ભાજપ સાથે જોડાય તેવા પ્રયાસો ભાજપના નેતાઓ કરી રહ્યા છે. આ સાથે જ આજે રિવાબાનો જન્મદિવસ પણ છે. અને જેની ઉજવણી આજે જામનગર (Jamnagar) ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ધારાસભ્ય રીવાબા જાડેજા (Rivaba Jadeja)ના પતિ અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ ભાજપના સદસ્ય બની ગયા છે. અને પત્નીને જન્મદિવસના દિવસે ભાજપમાં જોડાઈને ભેટ આપી છે.
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ આજે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી જેને અચાનક ચર્ચા જગાવી હતી. આ પોસ્ટમાં રીવાબાએ રવિન્દ્ર જાડેજાના ભાજપમાં જોડાયા હોય તેવી પોસ્ટ કરી હતી. અત્યારે જયારે ભાજપમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના દ્વારા આજે રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટ બાદ હવે એક નવી ઇનિંગ શરુ કરી છે. અને રાજકારણમાં પ્રવેશ કર્યો છે. આજે પત્નિ રીવાબાના જન્મદિવસે રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે કે ભાજપના પ્રાથમિક સદસ્ય બની ગયા છે.
આ મામલે રીવાબાએ શું કહ્યું ?
રીવાબાએ સોશ્યિલ મીડિયા પર રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા તેવા ફોટાઓ પોસ્ટ કર્યા હતા. જે બાદ રીવાબાએ કહ્યું હતું કે, ”ભાજપ અત્યારે વિશ્વમાં સૌથી વધુ સભ્યો ધરાવતી પાર્ટી છે. સદસ્યતા અભિયાનની શરૂઆત પોતાના પરિવારથી જ કરવામાં આવે પછી લોકો વચ્ચે જઈએ તે વ્યાજબી છે. તેના માટે શરૂઆત મારા પરિવારથી જ કરી અને રવિન્દ્ર જાડેજા આજે ભાજપના સદસ્ય બન્યા.
ઉલ્લેખનીય છે કે, જયારે રીવાબા જાડેજા ભાજપમાંથી ચૂંટણી લડ્યા ત્યારે રવિન્દ્ર જાડેજાએ ભાજપ માટે પ્રચાર કર્યો હતો. અને વિધાનસભાની ચૂંટણી વખતે રોડશો પણ કર્યો હતો. ભારતે ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ રવિન્દ્ર જાડેજાએ ઇન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જે બાદ હવે રવિન્દ્ર જાડેજાએ પોતાની નવી ઇનિંગની શરૂઆત કરી છે. સાથે જ હવે એક જ પરિવારના સગા ભાઈ-બહેન એટલે કે રવિન્દ્ર જાડેજા અને નયનાબા જાડેજા આમને સામને જોવા મળે તો નવાઈ નહિ લાગે.
આ પણ વાંચો : Ranotsav Tender : રણોત્સવ પર ઘેરાયા સંકટના વાદળો, ટેન્ટસિટી માટે આપવામાં આવતા ટેન્ડરને હાઇકોર્ટે કેમ કર્યું રદ્દ ?