Ram Rahim Release: ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh) ફરી એકવાર જેલમાંથી બહાર આવ્યો છે. દુષ્કર્મનો દોષી રામ રહીમ છેલ્લા 4 વર્ષમાં 10મી વખત જેલમાંથી બહાર આવ્યો છે. તે ડેરા સચ્ચા સૌદાના (Dera Sacha Saud) વડા છે.ક્યારેક તેને પેરોલ (parole) મળે છે તો ક્યારેક ફર્લો મળે છે, પરંતુ જ્યારે પણ તે બહાર આવે છે ત્યારે તેની પાછળ એક કારણ હોય છે. ત્યારે આગામી દિવસોમાં હરિયાણામાં ચૂંટણી (Haryana elections) આવી રહી છે ત્યારે રામ રહિમના બહાર આવવા પાછળનું કારણ આ ચૂંટણી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આજીવ કેદની સજા ભોગવી રહેલ રામ રહીમ વારંવાર પેરોલ- ફર્લો પર આવે છે બહાર
ઉલ્લેખનીય છે કે, રામ રહીમને મહિલા સાધ્વી પર દુષ્કર્મના કેસમાં 20 વર્ષની જેલ અને પત્રકાર છત્રપતિની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.જેથી રામ રહીમ 2017થી જેલમાં છે અને આ સાત વર્ષની સજામાં તે 8 મહિનાથી વધુ સમયથી જેલની બહાર છે. ક્યારેક પેરોલ પર તો ક્યારેક ફર્લો પર બહાર આવે છે.
રામ રહીમના બહાર આવવા સાથે ચૂંટણીનું કનેક્શન
2017માં જેલમાં ગયા બાદ 24 ઓક્ટોબર 2020ના રોજ એક દિવસ માટે રામ રહીમ પહેલીવાર તેની માતાની બીમારીના કારણે બહાર આવ્યો હતો. ત્યારબાદ બીજી વખત તે 21 મે 2021ના રોજ જેલમાંથી બહાર આવ્યો હતો. તે પણ માત્ર એક દિવસ માટે પેરોલ હતો અને તે પછી પણ તેણે તેની બીમાર માતાને મળવાનું હતું. પરંતુ આ પછી, રામ રહીમ જ્યારે પણ જેલમાંથી બહાર આવ્યો છે, ત્યારે તેનું કોઈને કોઈ ચૂંટણી જોડાણ ચોક્કસથી થયું છે. જેમ કે, ત્રીજી વખત તે 7 ફેબ્રુઆરી 2022ના રોજ પેરોલ પર બહાર આવ્યો હતો અને ત્યારબાદ તેને 21 દિવસની પેરોલ મળી હતી. પરંતુ આ એ જ સમય હતો જ્યારે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી હતી. પંજાબની ઓછામાં ઓછી 27 વિધાનસભા સીટો પર ડેરા સચ્ચા સૌદાનો પ્રભાવ છે. જે બાદ રામ રહીમ જૂન 2022માં એક મહિના માટે ચોથી વખત જેલમાંથી બહાર આવ્યો અને ત્યારબાદ હરિયાણામાં ચૂંટણીઓ થઈ હતી.
પાંચમી વખત તે ઓક્ટોબર 2022માં 40 દિવસ માટે બહાર આવ્યો અને તે સમયે હરિયાણાની આદમપુર સીટની પેટાચૂંટણીની સાથે હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ હતી.તે સમયે તેની પેરોલની શરત એ હતી કે તે ઉત્તર પ્રદેશના બાગપતમાં તેના ડેરામાં રહેશે ત્યારે તેણે ઓનલાઈન દરબાર યોજ્યો. જ્યારે રામ રહીમે હિમાચલ પ્રદેશના તેમના અનુયાયીઓ માટે ઓનલાઈન સત્સંગનું આયોજન કર્યું ત્યારે તેમાં હિમાચલ પ્રદેશ સરકારના મંત્રીઓ પણ હાજર હતા. આ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે દરેક ચૂંટણી પહેલા રામ રહીમ કેમ બહાર આવે છે.
આ વખતે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ
જુલાઈ 2023માં રામ રહીમને એક મહિનાનો પેરોલ મળ્યો ત્યારે હરિયાણામાં પંચાયત ચૂંટણી હતી. નવેમ્બર 2023માં જ્યારે તેને 29 દિવસની પેરોલ મળી ત્યારે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી હતી. જાન્યુઆરી 2024માં જ્યારે તે 50 દિવસ માટે બહાર આવ્યો ત્યારે દેશમાં લોકસભાની ચૂંટણી હતી અને હવે તેને ઓગસ્ટ 2024માં 21 દિવસની પેરોલ મળી છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં કેટલીક બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે.
રામ રહીમે ભાજપ-કોંગ્રેસને આપ્યું હતુ સમર્થન
રામ રહીમના ઈતિહાસની જેમ, તે અને તેની સમર્થકો હરિયાણામાં ભાજપના સમર્થનમાં રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ રામ રહીમે ભાજપને સમર્થન આપ્યું હતું અને તેમની 15 લોકોની ટીમને ચૂંટણીમાં ઉતારી હતી. અગાઉ, જ્યારે રામ રહીમ બાબા હતા અને દુષ્કર્મ અને હત્યામાં દોષિત નહોતો, ત્યારે તેને મોદી સરકારની નોટબંધીનું સમર્થન કર્યું હતું. રામ રહીમે 2007માં પંજાબની ચૂંટણી વખતે પણ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.
જેલમાંથી બહાર આવીને રામ રહીમ શુ કરે છે ?
આમ જોઈએ તો રામ રહીમ દરેક ચૂંટણી પહેલા બહાર આવે છે અને મોટા નેતાઓ તેમના દરબારમાં હાજરી આપે છે અને રામ મહિમ તેમને આશીર્વાદ આપે છે. બાકીના સમયમાં રામ રહીમ જેલમાંથી બહાર આવીને સત્સંગ અને ઉપદેશ આપે છે. જો તેની પાસે સમય હોય તો તે મ્યુઝિક વિડીયો પણ બનાવે છે.
આ પણ વાંચો : Bihar: પટનામાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા, નેતાના ઘરની સામે જ થયો એટેક