Rajkot: છેલ્લા બે દિવસમાં ‘બારે મેઘ ખાંગા’ થતાં ગુજરાતમાં (Gujarat) જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં 245 તાલુકામાં 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમા ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લા અને દક્ષિણમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. રાજકોટ (Rajkot) જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નિલાખા ગામે પાણીમાં ફસાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વાડી વિસ્તારમાં ફસાયેલા વ્યક્તિનું કરાયું રેસ્ક્યું
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નિલાખા ગામે ભારે વરસાદે તારાજી સર્જી હતી. અને ઠેર ઠેર પાણી ફરી વળતા નિલાખા ગામે વાડીમાં એક વ્યક્તિ પાણીમાં ફસાયો હોવાની તંત્રને માહિતી મળી હતી આ માહિતી મળ્યા બાદ ઉપલેટા મામલતદાર ધોરાજી પ્રાંત અધિકારી તેમજ ગોંડલ ફાયર ટીમના સંકલન સાથે SDRF ટીમ અહીં આવી પહોંચી હતી અને ફાયર ટીમ અને SDRF ટીમ દ્વારા ફસાયેલા વ્યક્તિનું રાત્રિના 3:30 વાગ્યે રેસક્યુ કરવામા આવ્યું હતું. મોડી રાત્રે મળેલી માહિતી બાદ ઉપલેટા મામલતદાર અને ઉપલેટા પોલીસ સહિતના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભારે વરસાદને પગલે રાજકોટ ડેમ ઓવરફ્લો
મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 10 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે રાજકોટને પાણી પૂરું પાડતો આજી 1 ડેમ 20મી વખત ઓવરફ્લો થયો છે. જ્યારે નવા રાજકોટને પાણી પૂરું પાડતો ન્યારી ડેમ પણ ઓવરફ્લો થયો છે.આજી-2 અને ન્યારી-2 ડેમ પણ ઓવરફ્લો થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા નહીં રહે. તેમજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનો ભાદર-1 ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાયો છે. જેથી ડેમના 10 દરવાજા ખોલવામા આવ્યા છે.