Rajkot Roads : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકોને હાલાકી પડી રહી છે. વરસાદ તો બંધ થઇ ગયો છતાં લોકોને હજુ પણ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસેલા વરસાદને કારણે રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થઇ ગયું છે. જે બાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે રાજકોટમાં પણ કંઇક આવું જ બન્યું છે. રાજકોટમાં વગડ ચોકડી દ્વારા સ્થાનિકો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં છેલ્લે પડેલ ભારે વરસાદને કારણે રસ્તાઓને ભારે નુકશાન થયું છે. રાજકોટના મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. ત્યારે રાજકોટની વગડ ચોકડી ખાતે ખરાબ રોડ રસ્તાને લઈ સ્થાનિકો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં જે રીતે અત્યારે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, તેમ રસ્તા પર પડેલ ખાડામાં સ્થાનિકો દ્વારા ભાજપના સદસ્યતા અભિયાનનું ટેબલ મૂકી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રકારના રસ્તાઓને કારણે લોકોના જીવને પણ જોખમ છે.
આ મામલે સ્થાનિકનું શું કહેવું છે ?
રાજકોટમાં આ વિસ્તારમાં રસ્તા ક્યાં છે એ જ શોધવું પડે તેવું છે. અમે રાજકોટ મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવીએ તો કંઈ પણ કામ ન કર્યું હોય છતાં મેસેજ આવે છે કે, આપની સમસ્યા દૂર થઈ ગઈ છે. વગડ ચોકડીએ છેલ્લાં 10 વર્ષથી ચોમાસાના સમયે આ જ પરિસ્થિતિ હોય છે. અને 500 મીટરના આ રોડમાં જ ખાડાની સમસ્યા છે. વોર્ડ નંબર 11માંથી ભાજપને સૌથી વધુ મત મળ્યા છે. ભાનુબેન બાબરિયા તો આ વિસ્તારના કેબિનેટ મંત્રી છે અને લોકસભાનાં સાંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલાને પણ લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે. છતા અહીં બિસ્માર રસ્તાઓની ગંભીર સમસ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે અહીંથી રોજ 20 હજાર લોકો પસાર થાય છે. જો મ્યુનિસિપલ કમિશનર ખુદ અહીં મુલાકાત માટે નહિ આવે તો અમે આ રસ્તા પર ચક્કાજામ કરીશું.
આ પણ વાંચો : Kandla Port : કંડલા પોર્ટ પાસે ગેરકાયદેસર દબાણવાળી જગ્યા પર ફરી વળ્યું બુલડોઝર, 250 એકર જમીન ગેરકાયદે દબાણમાંથી મુક્ત