Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડમાં ક્યા નેતાને બચાવવા સાગઠીયાને જેલ હવાલે કરાયો ? હવે આ મામલે શું થશે નવા ખુલાસાઓ ?

July 10, 2024

Rajkot Fire Incident : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Fire)ને લઈ એક વાત વહેતી થઈ છે કે પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા (Mansukh Sagathiya)એ ACB સમક્ષ કબુલ્યું છે કે ડિમોલેશન ન કરવા લાંચ લીધી હતી. અને એ માટે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ પણ કરી હતી. આજે સાગઠીયાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. મનસુખ સાગઠીયાને હવે કેદી નં.2096 તરીકે ઓળખાશે. પરંતુ સવાલ એ છે કે રાજ્ય સરકાર અને SIT કેમ મનસુખ સાગઠિયા પર જ અટકી ગઈ છે.. કેમ મનસુખ સાગઠીયાથી આગળ તપાસ નથી થતી.. શું સરકાર સાગઠિયાની પાછળ રહેલા મોટા નેતાઓને બચાવે છે ?

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાએ ACB ની પૂછપરછમાં કબૂલાત કરી છે કે ગેમઝોનનું ડિમોલેશન ન કરવા તેણે લાંચ લીધી હતી. આ સાથે એવું પણ સ્વીકાર્યું કે આ અંગે કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હતી. જો કે, અગાઉ પોલીસ SIT આ સમગ્ર મામલે તપાસ કરી ચુકી છે. પોલીસ SIT દ્વારા નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં લાંચની રકમ કેટલી અને કોની પાસેથી લીધી હતી ? તે અંગે યાદ નહીં હોવાનું રટણ કર્યું હતું. આરોપી મનસુખ સાગઠિયાની કબૂલાતથી હવે રામાણી સામે ગાળિયો કસાશે કે બચાવી લેવામાં આવશે ? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

પણ સવાલ એ છે કે ACB , SIT અને રાજ્ય સરકાર કેમ એ નેતાઓની હજુ સુધી પુછપરછ નથી કરી જેમણે સાગઠિયાને રાતો રાત TPO બનાવી દીધો હતો. રાજકોટ અગ્નિકાંડમાં ACBની તપાસ સામે પણ સવાલો થઈ રહ્યા છે. કારણ કે ACB હજુ સુધી સાગઠિયા પાસેથી એ નથી જાણી શકી કે સાગઠિયાને લાંચ માટે કરોડો રૂપિયા કોને અને કયાં ખોટાં કામ કરાવવાં માટે આપ્યા. સાગઠિયા એકલો ભ્રષ્ટાચાર કરતો હતો? ઉપલા કોઈ અધિકારી કે પદાધિકારીને આપતા હતા કે કેમ? એ અંગે કોઈ ખુલાસો નહિ. સાગઠિયાએ ખરીદ કરેલી મિલકતોની કિંમત પણ ઓછી દર્શાવી તો વાસ્તવિક કિંમત કેટલી? સાગઠિયાની બેંક તેમજ લોકર તપાસમાં કશું સામે આવ્યું નહિ તો બેંક અને લોકર ક્યારે ખાલી કરાયાં? એ અંગે કોઈ ખુલાસો નહિ. કેમ સાગઠિયાના રિમાન્ડ દરમિયાન અન્ય કોઈનાં નામ ન ખૂલ્યાં ? સાગઠિયાના વચેટિયા કોણ?સાગઠિયાના વહીવટદાર કોણ? એકલા સાગઠિયાની તપાસ કરવા માટે SITની રચના કરી છ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે જ સવાલ એ હતો કે આ SIT એટલે જ તો નથી બનાવવામાં આવીને કે મનસુખ સાગઠિયાની પાછળ રહેલા મોટા નેતાઓને બચાવી ઝડપથી આ ઘટનામાં ઢાંક પીછડો મરાઈ જાય.

મોટા અધિકારીઓને કેમ બચાવવમાં આવે છે ?

જેમણે મનસુખ સાગઠિયાનું માત્ર ઈન્ટરવ્યુ લઈ ટીપીઓ બનાવી દીધો એ રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ મેયર પ્રદીપ ડવ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ઘવા સહિતના અધિકારી પદાધિકારીઓ સામે હજુ કેમ તપાસ નથી થઈ.. કેમ તેનું નામ ક્યાંય સંભળાયુ નથી કાર્યવાહીમાં સાગઠિયાને તો ટીપીઓ તરીકે જુલાઈ 2023માં નિમણૂક પત્ર અપાયો છે. ગાંધીનગરથી તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આ નિમણૂક કરવા માટે શહેરી વિકાસ વિભાગે મંજૂરી આપી જ નથી. તેમના ચોપડે તો હજુ રાજકોટ મનપામાં ઈનચાર્જ ટીપીઓ જ હતો!

જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકા વર્ગ-1ની ભરતી કરે તો તે નિમણૂકને સરકારમાં મોકલવી પડે અને શહેરી વિકાસ વિભાગ મંજૂરી આપે તો ભરતી કરી શકે પણ સાગઠિયાના કિસ્સામાં ફક્ત મનપાના જનરલ બોર્ડમાં દરખાસ્ત મુકાઈ હતી. અને આ રીતે ટીપીઓના નામે મનપાના પદાધિકારીઓએ સરકારને ટોપી પહેરાવી દીધી હતી. કારણ કે, શહેરી વિકાસ વિભાગમાંથી મંજૂરી આજની તારીખે પણ મળી નથી. તો કેમ આ બાબતે આ તમામ અધિકારીઓની અને પદાધિકારીઓની પુછપરછ નથી કરવામાં આવી. સરકારને TPOના નામે ટોપી પહેરાવી; કમિશનર, ચેરમેન અને મેયરે રમેશ રુપાપરાના સથવારે ખેલ પાડ્યો હતો. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ટીપીઓની ભરતી બહાર પાડી એકમાત્ર ઉમેદવાર સાગઠિયાનું ઈન્ટરવ્યૂ રાખ્યું હતું.

મેયર પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલએ તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સાથે સંકલનની બેઠક કર્યા બાદ સ્ટેન્ડિંગ અને જનરલ બોર્ડમાં સાગઠિયાને ટીપીઓનો ઠરાવ કરી નિમણૂક પત્ર આપી દીધો પણ સરકારમાં જાણ ન કરી. આ કાંડમાં આટલા જ ભાજપના આગેવાનો નહિ પણ સાગઠિયાને ટીપીઓનો કાયમી હોદ્દો મળે તેમાં રમેશ રુપાપરા, રમેશ રુપાપરાનો પુત્ર ,રીંકુ પરસાણા, અમૃત શિયાણી, ઉદય કાનગડ, નીતિન રામાણી, અરવિંદ રૈયાણી, હિરેન આ બધાએ ખુબ મહેનત કરી હતી. તો આ બધા સામે કેમ હજુ કાર્યવાહી નથી થઈ. કેમ કોઈની પુછપરછ નથી કરવામાં આવી.

એ અધિકારીઓની કેમ પુછપરછ નથી થઈ જેઓ આ ગેમ ઝોન બન્યો ત્યારે ફરજ પર હતા. રાજકોટના તત્કાલીન કલેકટર મહેશ બાબુ, મ્યુનિસિપલ કોર્પોરેટર અમિત અરોરા, બલરામ મીણા, પ્રવીણ મીણા, રાજુ ભાર્ગવ, મનોજ અગ્રવાલ, વિધી ચૌધરી, સુધીર દેસાઈ… કેમ આ તમામ અધિકારીઓની પુછપરછ કરવામાં આવી નથી ? હાઈકોર્ટના આદેશ બાદ 3 IAS અધિકારીઓની સત્યક શોધક કમીટી બનાવવામાં આવી, એ કમીટીએ હાઈકોર્ટને 15 દિવસની અંદર સીલ બંધ રિપોર્ટ સોંપવાનો હતો. ત્યારે આ રિપોર્ટમાં પણ ઉચ્ચ અધિકારીઓને નામ સામે આવશે કે પછી તેમને બચાવી લેવામાં આવશે.

કારણકે આ કમિટી દ્વારા ગેમઝોનની પહેલી ઈંટ મૂકવામાં આવી ત્યાંથી ઘટના બની ત્યાં સુધી તમામ વિભાગની તપાસ કરવાની હતી. ત્યારે હવે આ કમિટીના રિપોર્ટમાં શું સામે આવશે એતો સમય જ બતાવશે. પરતું અહિયાં સવાલ એ ઊભો થાય છે કે કેમ આ સરકારના અધિકારીઓને કોઈને ખબર નતી કે આ ગેરકાયદે છે. શા માટે સાગઠિયાએ હજુ પણ કોઈ નેતાનું નામ નથી ઉચ્ચાર્યું. કોણ એ નેતા છે જે સાગઠિયાને જેલમાં મળવા ગયા હતા. કોને સાગઠિયા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે ? હવે જોવાનું છે કે આગામી દિવસોમાં સાગઠિયા વધુ શું બોલે છે..ખેર હવે આ આરોપી સાગઠિયાને જેલ હવાલે કરાયો છે અને તે હવે કેદી નંબર 2096 તરીકે ઓળખાશે.

આ પણ વાંચોAdani SEZ : કચ્છની ગૌચરની જમીન મામલે અદાણી SEZને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવ્યો

Read More

Trending Video