Rajkot Fire Incident : રાજકોટમાં 25 મેના રોજ સાંજે 5.30 વાગ્યે એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક આગ લાગી હતી અને આ આગ (Rajkot Fire Incident) થોડી જ ક્ષણોમાં સમગ્ર ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી. જેમાં 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. આ ગેમઝોનમાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેમને હજુ પણ ન્યાય મળ્યો નથી. ખાસ આ ગેમઝોનમાં થયેલ ભ્રષ્ટાચારમાં સપડાયેલા સિનિયર અધિકારીઓને તો માત્ર બદલી કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે. આ સાથે હવે રાજકોટની જનતા મેદાનમાં આવી છે. અને 10 જુલાઈના રોજ રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
રાજકોટ TRP ગેમઝોનના મૃતકોને ન્યાય અપાવવા માટે હવે રાજકોટની જનતા આગળ આવી છે. 10 જુલાઈએ રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. 10 જુલાઈના સવારે 6 વાગ્યાથી 11 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી રાજકોટ સજ્જડ બંધ રહેશે. એટલે કે રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે હવે રાજકોટવાસીઓ આગામી 10 જુલાઈના 24 કલાક પોતાના ધંધા રોજગાર બંધ રાખવાના છે. ખાસ તો આ સમગ્ર અગ્નિકાંડમાં મોટા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મોટી માછલીઓ પર સરકાર એક્શન નહિ લે તો જનતા હવે આક્રોશિત છે.
આ પહેલા રાજકોટ અગ્નિકાંડને જયારે એક મહિનો પૂર્ણ થયો હતો ત્યારે એટલે કે 25 જૂનના રોજ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અને રાજકોટના લોકોએ તેને સમર્થન પણ આપ્યું હતું. હવે જોવાનું રહ્યું કે આ મામલે સરકાર કોઈ કડક પગલાં લે છે કે પછી ઠીકરું સાગઠીયાના માથે ફોડી અને મોટી માછલીઓને બચાવી લેવામાં આવશે.