Rajkot : દેશમાં અત્યારે હવે દિવાળીની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીને લઈને હવે બજારોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ જ દિવાળીના તહેવાર સમયે રોજનું રોજ કમાઈને પોતાનું પેટિયું રળતા લોકો માટે રોજગારીનો સમય છે. દિવાળી તો ગરીબ હોય કે ધનિક સૌનો તહેવાર છે. પરંતુ અત્યારે હવે જાણે આ તહેવાર માત્ર આમિર લોકોનો જ રહી ગયો હોય તેમ ભાજપના ધારાસભ્યો ગરીબોના પેટ પર પાટુ મારવા નીકળી ગયા છે. રાજકોટમાં પાથરણાવાળાઓને હટાવવા દુકાનદારો અને ભાજપના ધારાસભ્યો એકસાથે કલેક્ટર કચેરી પહોંચ્યા આવેદન પત્ર પાઠવવા.
દિવાળી એતો સૌનો તહેવાર છે. અને આ જ સમય છે જયારે સૌ કોઈને રોજગારીનો સરખો મોકો મળતો હોય છે. ત્યારે હવે આ રાજકોટમાં પાથરણાં પાથરી રસ્તા પર વસ્તુઓ વહેંચતા લોકો પણ હવે ભાજપના ધારાસભ્યોને આડે આવતા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં ભાજપના ધારાસભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે. અને મુદ્દો એવો છે કે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ પર પાથરણાવાળા લોકો બેસે છે. અને પોતાનું ગુજરાન ચલાવે છે. જે વાત ત્યાનાં દુકાન ધારકોને પસંદ નથી. કારણ કે તેમને એવું લાગે છે કે પાથરણાવાળા લોકોના કારણે તેમને તહેવારો પર ઘરાકી નથી મળતી. એટલે આ દુકાનધારક વેપારીઓએ સાથે મળી દબાણ દૂર કરાવવાની માંગ કરી છે.
આ રજૂઆત વેપારીઓને સાથે રાખી ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શિતા શાહે કરી છે. પણ આ ભાજપના ધારાસભ્ય એ ભૂલી ગયા કે તેઓ ફક્ત મોટા માણસોના પ્રતિનિધિ નથી. તેમને કોઈ એક વર્ગે મત નથી આપ્યો તેની જીત પાછળ જેટલો મોટા લોકોનો ફાળો છે તેટલો જ નાના માણસોનો પણ છે. ધારાસભ્ય દર્શિતા શાહે આ મામલે કહ્યું કે કોઈની દિવાળી બગડે નહી તે માટે અમે બંનેની રજુઆત સાંભળી છે. પણ બેન તમે રજૂઆત કરવા કોની સાથે ગયા હતા એ જોયું અને રજૂઆત પછી હોય પહેલા વૈકલ્પિક વ્યવસ્થા હોય. જો મ્યુ. કમિશનરે તમારી રજૂઆત સાંભળી લીધી.. અને એ લોકોને ત્યાંથી હાંકી કઢાશે તો તેની રોજીરોટીની સંભાળ તમે લેશો ?