Rajkot: છેલ્લા બે દિવસમાં ‘બારે મેઘ ખાંગા’ થતાં ગુજરાતમાં (Gujarat) જળબંબાકારની (Gujarat Floods) સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમા ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લા અને દક્ષિણમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ત્યારે રાજકોટ (Rajkot)જિલ્લાના ઉપલેટામાં (upleta) વરસાદને કારણે ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામા આવી રહ્યું છે. ત્યારે મોટી પાનેલી કોઝવેમાં પ્રસુતા યુવતીનુ જેસીબી મશીન દ્વારા રેસક્યું કરાયુ હતું.
જેસીબી મશીન દ્વારા પ્રસવગ્રસ્ત યુવતીનું રેસ્ક્યું કરવામાં આવ્યું
મળતી માહિતી મુજબ ઉપલેટા તાલુકના મોટી પાનેલીમાં સતત વરસાદને પગલે ફુલઝર ડેમ ઓવરફલો થયો છે. ત્રણ દિવસથી પડતા વરસાદને પગલે પાનેલીથી માંડાસણ સમાણા જવાનો રસ્તો ક્રોઝવે બંધ કરવામાં આવ્યો છે. અહીંથી વાહનોની અવરજ્વર સંપૂર્ણ સ્થગિત કરવામાં આવી છે. પાનેલીથી ઉપરવાસ ગામડાઓ માંડાસણ સાતવડી બુટાવદર બગધરા મેથાણ સડોદર સહિતના અનેક ગામડાઓ માટે પાનેલી થઈને જ જામજોધપુર કે ઉપલેટા જવાતું હોય છે ત્યારે બગધરા ગામની યુવતીને પ્રસવ પીડા થતા પરિવાર તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલ જવા નીકળ્યા હતા પરંતુ પાનેલી ક્રોઝવે પર ભયંકર પાણીનો પ્રવાહ હોવાથી ગાડી કોઈ સંજોગોમાં નીકળી શકે તેમ નહતી. જેથી સતત ત્રણથી ચાર કલાક રાહ જોઈને ઉભેલો પીડિત પરિવારે યુવતીની હાલત ગંભીર બનતા પાનેલીના ઉપસરપંચ જતીનભાઈ ભાલોડીયાનો સંપર્ક સાધી તેમની મદદએ દોડી આવ્યા હતા. અને જેસીબી મશીન દ્વારા પ્રસવગ્રસ્ત યુવતી સાથે પરિવારને પાણીના પ્રવાહ વચ્ચે રેસક્યું કરી તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ચોમાસામાં તંત્રની પોલ ખુલી
પાનેલીથી ઉપરવાસના બારથી પંદર ગામના હજારો લોકોને જોડતા રસ્તા ઉપરનો ક્રોઝવે વર્ષોથી આજ હાલતમાં છે. વર્ષો વર્ષ ચોમાસામાં આવી ગંભીર સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા ક્રોઝવે ઉપર પુલ બનાવવાની કામગીરી કરવામા આવતી નથી જેને લઈને લોકોમાં આક્રોશ છે. કહી શકાય કે, ચોમાસાએ તંત્રની પોલ ખોલીને રાખી દીધી છે. લોકો કોઈ પણ પરિસ્થિતિમાં હોય તંત્ર આંખ આડા કાન કરી દે છે. હાલ ચોમાસામાં આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં તંત્રના કારણે સામાન્ય લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે ધ્યાન આપે તે જરુરી બની છે.
આ પણ વાંચો : Rajkot: ઉપલેટા તાલુકાના નિલાખા ગામે પાણીમાં ફસાયેલ વ્યક્તિનું SDRF ટીમ દ્વારા રેસ્ક્યું