Rajasthan: રાજસ્થાનની (Rajasthan) રાજધાની જયપુરમાં (Jaipur) પણ દિલ્હી (Delhi) જેવી દુર્ઘટના સર્જીઈ છે. જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં બે ઘરોના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ચાર વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા હતા. ઘટના બાદ લગભગ 7 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
ભોંયરામાં પાણી ભરાવાને કારણે 3 લોકોના મોત
રાજસ્થાનમાં સતત પડી રહેલો વરસાદ લોકો માટે આફત બની ગયો છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભોંયરામાં પાણી ભરાવાને કારણે 3 લોકોના મોત થયા છે. ભોંયરામાં એટલું પાણી ભરાઈ ગયું હતું કે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘણી સમસ્યાઓ થઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયાના લગભગ 7 કલાકની મહેનત બાદ ત્રણેય મૃતદેહોને VKI બેઝમેન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં 4 વર્ષની છોકરી, 19 વર્ષની છોકરી અને એક પુરુષનો સમાવેશ થાય છે.
જોકે, આ દરમિયાન સિવિલ ડિફેન્સ અને SDRFની ટીમે એક વ્યક્તિને સફળતાપૂર્વક બચાવી લીધી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કરી જાહેરાત
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અતિવૃષ્ટિમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી હતી. સીએમ ભજનલાલ શર્માએ કહ્યું કે સામાન્ય લોકોને તાત્કાલિક મદદ કરવી જોઈએ અને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી.