Telangana: તેલંગાણામાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સોમવાર અને મંગળવારે સીએમ એ. રેવંત રેડ્ડીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બચાવ અને રાહત કાર્ય અંગે સમીક્ષા બેઠક પણ લીધી હતી. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સ્થિતિ બદતર થઈ ગઈ છે. ઘણા લોકો તેમના ઘરની છત પર ફસાયેલા છે. અનેક ગામડાઓનો શહેરો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. અનેક લોકોને ખોરાક અને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે.
સીએમ એ. રેવંત રેડ્ડીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે અંદાજે રૂ. 5 હજાર કરોડનું નુકસાન થવાનો અંદાજ મૂક્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની સહાયની રકમની વિનંતી કરી છે. વરસાદમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
100 થી વધુ રાહત શિબિરો
રાજ્યમાં 100 થી વધુ રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે અને તેમાં લગભગ 4000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગત શનિવારથી વરસાદી માહોલ જારી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ઘણી નદીઓ તણાઈ રહી છે. અનેક ગામોનો મુખ્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. કોલોનીઓમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં લોકો ધાબા પર ફસાયા છે.
11 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં હજારો એકરમાં ફેલાયેલી ખેતીની જમીનને પણ નુકસાન થયું છે. સમગ્ર તેલંગાણામાં હજુ પણ વરસાદ ચાલુ રહી શકે છે. 11 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને એક દિવસ પહેલા આદેશ જારી કરવામાં આવ્યો હતો. 11 જિલ્લાના કલેક્ટરને પણ આદેશ જારી કરવામાં આવ્યા હતા અને બચાવ અને રાહત માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી હતી.
આંધ્રપ્રદેશમાં પણ ખરાબ સ્થિતિ
આંધ્રપ્રદેશમાં પણ પૂરના કારણે ઘણી જગ્યાએ સ્થિતિ ગંભીર છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં લોકો તેમના ધાબા પર ફસાયેલા છે અને હેલિકોપ્ટર દ્વારા ખાદ્યપદાર્થો મોકલવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે માહિતી આપી છે કે લોકોને મૂળભૂત આવશ્યક વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે જ્યારે લગભગ 43 હજાર લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાયું છે જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ચાલુ છે. વિજયવાડા જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.
આ પણ વાંચો: મમતા સરકારની મોટી કાર્યવાહી, Kolkataની ઘટનાના 26 દિવસ બાદ સંદીપ ઘોષ સસ્પેન્ડ