Rain Forecast : દેશમાં ચોમાસુ (Monsoon) ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાં અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain Forecast) કરી છે. તે જ સમયે, 26 અને 27 જૂન 2024 ના રોજ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ : IMD
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોંકણ-ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને માહે, લક્ષદ્વીપ, ગુજરાત, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આગામી પાંચ દિવસમાં છૂટોછવાયો વરસાદ પડશે. 26 થી 30 જૂન દરમિયાન ગુજરાત, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટક અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આજે 26મી જૂને તટીય કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં 5 દિવસ વરસાદ ભારેથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે જ દરિયામાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન#weather #WeatherUpdate #gujarat
DAY1-4 pic.twitter.com/ccKxVPLTKe— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 26, 2024
ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 11 જૂનથી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું છે, જે અત્યાર સુધી આગળ વધીને મહેસાણા પહોંચ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં વરસાદની આગાહી છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ગીર સોમનાથ, કચ્છ, દ્વારકા, ભાવનગર, અમરેલી, જામનગરમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન #weather #WeatherUpdate #gujarat DAY5-7 pic.twitter.com/ojSgNOhUi0
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 26, 2024
હવામાન વિભાગે 27 જૂને ગુજરાતના બનાસકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરી છે. 28 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 29 જૂને ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 30 જૂને ગુજરાતના નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.