Purshottam Solanki Health Update: રાજ્યમંત્રી પુરષોત્તમ સોલંકીની તબિયત લથડી: મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એરલિફ્ટ કરાયા

September 1, 2026

Purshottam Solanki Health Update: ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી તથા કોળી સમાજના કદાવર નેતા શ્રી પુરષોત્તમભાઈ સોલંકી ની તબિયત અચાનક વધુ નાજુક બનતાં તેમને અદ્યતન સારવાર માટે મુંબઈ સ્થિત પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલ (Lilavati Hospital) ખાતે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ સ્થિતિમાં અપેક્ષિત સુધારો ન જણાતાં પરિવાર અને તબીબોની સલાહ બાદ તેમને તાકીદે મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસના કારણે ગેંગરીન થતાં તબિયત લથડી

મળતી સત્તાવાર માહિતી અનુસાર, પુરષોત્તમભાઈ સોલંકી લાંબા સમયથી ડાયાબિટીસ અને અન્ય જૂની શારીરિક બીમારીઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં ડાયાબિટીસની તીવ્ર અસરને કારણે તેમને પગના ભાગે ગેંગરીન (Gangrene) ની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. આ ઇન્ફેક્શન આગળ ન ફેલાય અને સ્થિતિ કાબૂમાં રહે તે હેતુથી અમદાવાદના તબીબોએ તેમને મુંબઈની વિશેષ સુવિધા ધરાવતી હોસ્પિટલમાં ખસેડવાની ભલામણ કરી હતી.

લીલાવતી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ તૈનાત

મુંબઈ પહોંચ્યા બાદ લીલાવતી હોસ્પિટલના વરિષ્ઠ સર્જનો અને ક્રિટિકલ કેર નિષ્ણાતોની એક પેનલ દ્વારા તેમની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. ડાયાબિટીસ લેવલ નિયંત્રિત કરવાની સાથે ગેંગરીનની સર્જરી અને આગળની ટ્રીટમેન્ટ માટે જરૂરી તમામ મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. હાલ તબીબોની વિશેષ ટીમ તેમના સ્વાસ્થ્ય પર ચોવીસે કલાક બારીકાઈથી નજર રાખી રહી છે.

સમર્થકો અને રાજકીય આગેવાનોમાં ચિંતાનો માહોલ

ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય અને કોળી સમાજના અત્યંત લોકપ્રિય નેતા પુરષોત્તમભાઈ સોલંકીના બીમાર પડવાના સમાચાર મળતાં જ સમગ્ર રાજ્યમાં તેમના હજારો સમર્થકો અને કાર્યકરોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા સતત મુંબઈ ખાતે તેમના પરિવારજનો અને હોસ્પિટલ પ્રશાસન સાથે સંપર્ક જાળવીને તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ મેળવવામાં આવી રહી છે. તેમના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે મંદિરોમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Anna Hazare ની તબિયત લથડી: મુંબઈની બોમ્બે હોસ્પિટલના ICU માં દાખલ, તબીબોની ટીમ સતત નિરીક્ષણમાં

Read More

Trending Video