Pravin Ram : માંગરોળના ધારાસભ્યની ભાષા અને કાર્યવાહીને લઈને AAPના પ્રહાર, પ્રવીણ રામે ઉઠાવ્યા તેમના પર સવાલ

August 5, 2026

Pravin Ram : આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ તથા પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે ધારાસભ્યની કામગીરી અને તેમની ભાષાશૈલી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે માંગરોળમાં ખેડૂતોના હિતમાં બનાવવામાં આવેલા એક પૂલને તોડવા માટે ધારાસભ્ય સરકારી તંત્ર સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં હાજર ખેડૂતો સાથે અપમાનજનક ભાષામાં વાત કરી હતી.

પ્રવીણ રામના જણાવ્યા મુજબ, તાલુકા પંચાયતના કાર્યકાળ દરમિયાન ‘આપ’ના નેતા પિયુષભાઈ પરમારની પહેલથી ખેડૂતોના ઉપયોગ માટે આ પૂલ બનાવવામાં આવ્યો હતો. તેમના આક્ષેપ અનુસાર, પૂલના વિકાસ અથવા મરામતને બદલે તેને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ ફેલાયો હતો.

“રૂટિન ભાષા”ના નિવેદન પર ઉઠાવ્યા સવાલ

પ્રવીણ રામે જણાવ્યું કે ઘટનાના અનુસંધાને મીડિયાએ ધારાસભ્યને તેમની ભાષા અંગે પ્રશ્ન પૂછતાં તેમણે તેને પોતાના વિસ્તારની “રૂટિન ભાષા” ગણાવી હતી. ‘આપ’ના નેતાએ આ નિવેદનની ટીકા કરતાં કહ્યું કે જનપ્રતિનિધિઓ પાસેથી સંયમિત અને જવાબદાર ભાષાની અપેક્ષા રાખવામાં આવે છે.

દારૂના અડ્ડા અને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીનો પડકાર

પ્રવીણ રામે ધારાસભ્યને ખુલ્લો પડકાર આપતાં કહ્યું કે જો કડક કાર્યવાહી કરવી અને આક્રમક ભાષા બોલવી તેમની “રૂટિન”નો ભાગ હોય, તો તેઓ પોતાના વિસ્તારમાં ચાલતા હોવાના આક્ષેપવાળા દારૂના અડ્ડા અને ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે પણ તંત્ર સાથે કાર્યવાહી કરે. તેમણે આવી કાર્યવાહી માટે તારીખ અને સમય જાહેર કરવાની માંગ કરી અને કહ્યું કે આમ આદમી પાર્ટી પણ ખેડૂતોના હિતમાં આવા અભિયાનને સમર્થન આપવા તૈયાર છે.

ખેડૂતોની માફી માંગવાની માંગ

પ્રવીણ રામે વધુમાં કહ્યું કે જો ધારાસભ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ન કરે, તો તેમણે ખેડૂતો સમક્ષ જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમણે દાવો કર્યો કે ખેડૂતોના પ્રશ્નોની અવગણના થશે તો આગામી ચૂંટણીઓમાં મતદારો તેનો યોગ્ય જવાબ આપશે.

આ પણ વાંચોChhota Udepur ના અંતરિયાળ ગામ હાંલ્લીમાં આદિવાસી બાળકો આવાસમાં ભણવા મજબૂર, નોટિસો છતાં શાળાનું બાંધકામ શરૂ નહીં

Read More

Trending Video