Porbandar માં પોતાની છાપ કહેવાતા ડોન તરીકે ઊભી કરનાર રમેશ છેલાણા સામે અત્યંત શરમજનક અને ગંભીર ગુનો નોંધાયો છે. 17 વર્ષીય સગીરા પર છેલ્લા 6 વર્ષથી વારંવાર બળાત્કાર આચરવા બદલ રમેશ છેલાણા સામે પોલીસ મથકે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સનસનાટીભર્યા કિસ્સાથી સમગ્ર પોરબંદર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સગીરાના વિરોધ છતાં બળજબરીથી સંબંધ બાંધ્યાનો આરોપ
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પીડિતા જ્યારે નાની વયની હતી ત્યારથી જ આરોપી રમેશ છેલાણા તેની પર નજર બગાડીને બેઠો હતો. સગીરા દ્વારા વારંવાર વિરોધ કરવા છતાં, આરોપી પોતાના વગ અને ડરનો ઉપયોગ કરીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધતો હતો. સગીરાની ના હોવા છતાં તેની મરજી વિરુદ્ધ 6 વર્ષ સુધી સમાન રીતે ગુનો આચરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
માતાજીના સોગંદ દેવડાવી ગુનો છુપાવવા આપી ધમકી
પીડિતા આ કાળી કરતૂત અંગે કોઈને જાણ ન કરે તે માટે આરોપી અત્યંત હોશિયારી અને ધાકધમકીનો ઉપયોગ કરતો હતો. તે સગીરાને માતાજીના સોગંદ લેવડાવીને મોં બંધ રાખવા માટે મજબૂર કરતો હતો. આ ઉપરાંત, જો તે આ વિષયે પરિવાર કે પોલીસને જાણ કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી.
પોલીસે ગુનો નોંધી આરોપીની શોધાખોળ શરૂ કરી
આખરે આરોપીના સતત ત્રાસથી કંટાળીને અને હિંમત ભેગી કરીને સગીરાએ સમગ્ર આપવીતી પોતાના પરિવારને જણાવી હતી. આ અંગે પોરબંદર પોલીસે આરોપી રમેશ છેલાણા સામે પોક્સો (POCSO) એક્ટ તેમજ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવીને આરોપી રમેશ છેલાણાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad ના ઈસનપુરમાં સિલ્વર ઓક યુનિવર્સિટીના 21 વર્ષીય વિદ્યાર્થીની ગંભીર માર મારી હત્યા