controversial murals in Salangpur : સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રો લગાવવાનો વિવાદ દિવસેને દિવસે ઘેરાઈ રહ્યો છે. ગઈકાલે એક હનુમાન ભક્ત દ્વારા આ વિવાદિત ચિત્રો પર કાળો રંગ ચોપડવા અને તોડફોડ કરવામાં આવ્યા બાદ મામલો વધુ ગરમાયો હતો અને આ મુદ્દે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ આજે મંદિરના ગેટ બંધ કરી દેવામાં આવતા દર્શનાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.
પોલીસ ફરિયાદ નોંધાઈ
સાળંગપુર મંદિરના વિવાદિત ભીંત ચિત્રો પર ગઈકાલે હર્ષદ ગઢવી દ્વારા કાળો કલર લગાવવી તોડફોડ કરવામાં આવતા પોલીસે તેમને અટકાયત કરી હતી. ભીંત ચિત્રો પર કાળો રંગ લગાવનારા શખ્સ સિવાય આ કેસમાં વધુ બે નામ ખુલતા કુલ ત્રણ શખ્સો સામે બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સેથળી ગામના ભુપતભાઇ સાદુળભાઈ ખાચર દ્વારા હર્ષદભાઈ ગઢવી, જેસિંગભાઈ ભરવાડ અને બળદેવભાઈ ભરવાડ વિરૂદ્ધ બરવાળા પોલીસ મથકમાં ગત મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી.
મંદિર બંધ કરાયું
બીજી તરફ વિવાદને જોતા આજે સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે વહેલી સવારે દાદાના દર્શન કરવા આવે શ્રદ્ધાળુંઓ હેરાન થયાં હતા. ભક્તોમાં મંદિર પ્રશાસન વિરૂદ્ધ રીત સરનો રોષ જોવા મળ્યો હતો. દર્શનાર્થીઓનું એવું કહેવું હતં કે વિવાદ જે હોય તે પણ અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ અને હનુમાનજી મહારાજ ભગવાન રામના દાસ છે બીજા કોઈના દાસ નથી તાત્કાલિકપણે આ ભીંત ચિત્રો હટાવી દેવા જોઈએ અને ભક્તોને દર્શનાર્થે જવા દેવા જોઈએ.
શું કહ્યું દર્શનાર્થીએ?
કલ્પેશભાઈ પટેલ નામના એક દર્શનાર્થીએ જણાવ્યું કે, અમે દાદાના દર્શન કરવા માટે સવારે 4 વાગ્યે પ્રાંતિજથી નિકળ્યા હતા. દર્શનાર્થી તરીકે અમે અહીં આવ્યા છીએ. અમને અહીં ગેટ નંબર 5 પાસે ઉભા છીએ. બધા જ ગેટ બંધ છે. દરેક ગેટ પર જુદી-જુદી સમજણ આપવામાં આવે છે. કેટલાય દર્શનાર્થી આમતેમ ભટકે છે. એક પ્રોપર ગાઈડલાઈન હોવી જોઈએ. દર્શનાર્થીઓને દાદાના દર્શન કરવા દેવા જોઈએ. વિવાદ જે હોય તે પણ દર્શનાર્થીઓને દાદાના દર્શન કરવા દેવા જોઈએ.