PM Modi 5 જૂને ગુજરાત અને દમણના પ્રવાસે, વિકાસકાર્યોની આપશે ભેટ, દક્ષિણ ગુજરાત અને દમણમાં તડામાર તૈયારીઓ

May 30, 2026

PM Modi આગામી 5 જૂનના રોજ ગુજરાત અને સંઘપ્રદેશ દમણના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ હાઈપ્રોફાઇલ પ્રવાસને લઈને વહીવટી તંત્ર તેમજ ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન સુરત અને દમણ-દાદરા નગર હવેલીની મુલાકાત લેશે અને બંને સ્થળોએ યોજાનારી જાહેર સભાઓને સંબોધિત કરશે. આ પ્રવાસ વિકાસ અને રાજકીય બંને દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

દમણના નવા સિવિલ એરપોર્ટનું થશે લોકાર્પણ

પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ દમણમાં નિર્માણ પામેલું નવું સિવિલ એરપોર્ટ રહેશે. અંદાજે રૂ. 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આધુનિક ડોમેસ્ટિક એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. લાંબા સમયથી આ એરપોર્ટની રાહ જોવાઈ રહી હતી અને હવે તેના શરૂ થવાથી સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એર કનેક્ટિવિટીથી ઉદ્યોગ અને પ્રવાસનને મળશે વેગ

નવા એરપોર્ટના કાર્યરત થતાં દમણ, દીવ અને ગુજરાતના વાપી સહિતના ઔદ્યોગિક વિસ્તારોને સીધી હવાઈ કનેક્ટિવિટી મળશે. જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેમજ પ્રવાસન ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. પ્રાથમિક તબક્કામાં અહીંથી દિલ્હી, મુંબઈ અને અમદાવાદ માટેની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ સુવિધાથી વેપાર, રોકાણ અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો ઉભી થશે.

સુરતમાં વિકાસકાર્યોની આપશે ભેટ

દમણ ઉપરાંત વડાપ્રધાન મોદી સુરતમાં પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સુવિધાઓ અને વિકાસલક્ષી યોજનાઓ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સની ભેટ સુરતવાસીઓને મળવાની સંભાવના છે. જોકે, કયા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે તેની સત્તાવાર વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થા રહેશે ચુસ્ત

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને સુરત અને દમણમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્થળોની ચકાસણી તેમજ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અધિકારીઓ સતત તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.

ભાજપના જનસંપર્ક અભિયાનનો પણ પ્રારંભ

ઉલ્લેખનીય છે કે 5 જૂનથી ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષના કાર્યકાળને કેન્દ્રમાં રાખીને રાજ્યવ્યાપી જનસંપર્ક અભિયાન પણ શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીનો આ પ્રવાસ માત્ર વિકાસકાર્યો પૂરતો સીમિત નહીં રહે, પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોAAP Gujarat : AAPના આંતરિક વિખવાદમાં મોટો ખુલાસો, વડોદરાના AAP શહેર પ્રમુખ અને તેના સાથીદાર સામે સાઇબર ક્રાઇમનો ગુનો

Read More

Trending Video