વિજયનું પર્વ વિજયાદશમીની (VijayaDashami 2023) આખા દેશમાં ઉજવણી કરવામાં આવે છે. અધર્મ પર ધર્મના વિજયના ઉત્સવ દશેરાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. આ દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે સાથે સાથે જ આ દિવસે વાહન ખરીદી પણ શુભ માનવામાં આવે છે. આમ તો નવરાત્રિના નવ દિવસ અને દશેરા એમ કુલ 10 દિવસ સુધી લોકો વાહન ખરીદે છે ત્યારે આ વખતે દશેરામાં (Dussehra 2023) ઓટો મોબાઈલ ડિલરો માટે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં આ વખતે વાહનના વેચાણમાં 15% નો વધારો નોંધાયો છે.
વાહનોનું વેચાણ
અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા 10 દિવસોમાં 13 હજાર જેટલા ટૂ વ્હિલરનું વેચાણ થયું છે તો રાજ્યભરમાં 80 હજાર જેટલા વાહનો વેચાણ થયું છે. આ દશેરામાં પહેલીવાર એવું બન્યું છે કે, વાહન ચાલકોને HSRP નંબર પ્લેટ લગાવીને જ વાહનની ડિલિવરી આપવામાં આવી છે. તે સિવાય રાજકોટમાં (Rajkot) 1500 થી વધારે ટૂ વ્હિલર અને 500 થી વધારે કારોનું વેચાણ થયું છે. બીજી બાજુ એક અંદાજ મુજબ સુરતમાં (Surat) દશેરાના દિવસે ડિલિવરી મેળવવા માટે 450 થી વધુ કારના એડવાન્સ બુકિંગ થયા તો સુરત શહેરમાં 2000 થી વધુ ફોર વ્હીલર્સનું વેચાણ થવાનો અંદાજ છે.
દશેરાના દિવસે ડિલિવરી
સપ્ટેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા વાહન ખરીદનારને નંબર પ્લેટ સાથે જ વાહન મળે તેવો નિર્ણય લેવાયો હતો જેનો અમલ શરૂ થતાં આ દશેરામાં લોકોએ નંબર પ્લેટ સાથેના વાહનોની ડિલિવરી મેળવી હતી. આ માટે લોકોએ અગાઉથી જ વાહનો બુક કરાવ્યા હતા જેથી દશેરાના દિવસે અને નવરાત્રિ દરમિયાન વાહનનોની ડિલિવરી મેળવી શકે.
ફાફડા જલેબીનો કરોડોનો વેપાર
ગુજરાતમાં દશેરાના દિવસે રાજ્યભરમાં ફાફડા-જલેબી આરોગવામાં આવે છે. આજે સવારથી જ ફાફડા-જલેબી-ચોળાફળી ખરીદવા લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા,સુરત સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં ફાફડા-જલેબી અને મિઠાઈનો કરોડોનો વેપાર થાય છે. ગત વર્ષે એકલા અમદાવાદમાં આશરે 150 કરોડના ફાફડા જલેબીનું વેચાણ થયું હતું તો રાજકોટમાં આશરે 50 હજાર કિલો ફાફડા જલેબીના વેચાણનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.