patan: રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ (Rape case) સામે આવી રહી છે આ સીલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, હવે તો શાળામાં પણ બાળકીઓ સુરક્ષિત નથી રહી તાજેતરમાં દાહોદમાં (Dahod) શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે એક 6 વર્ષની માસુમ બાળકીની હત્યા કરી નાખી હતી આ ઘટનાની શાહી હજુ તો સુકાઈ પણ નથી ત્યાં આજે વધુ એક નરાધમ આચાર્યની શરમજનક કરતુત સામે આવી છે. જેમાં પાટણમાં એક આચાર્યએ એક નહીં પરંતુ અનેક બાળકીઓ સાથે છેડતી કર્યાનો આરોપ લાગ્યો છે એટલું જ નહીં પરંતુ આ નરાધમ આચાર્યએ બાળકીઓને આ અંગે કોઈને કહેશે તો નાપાસ કરવાની ધમકી પણ આપતો હતો ત્યારે એક બાળકી આ આચાર્યથી એટલી ડરી ગઈ હતી કે તે બિમાર પડી ગઈ હતી અને જ્યારે પરિવારે આ અંગે બાળકીને પૂછ્યું ત્યારે બાળકીએ સમગ્ર હકીકત જણાવતા આચાર્યનો ભાંડો ફૂટ્યો હતો.
નરાધમ આચાર્યએ એક બે નહીં અનેક બાળકીઓની કરી છેડતી
મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સાબરકાંઠા જિલ્લાના પ્રવીણ ભલાભાઇ પટેલ નામના આચાર્ય સામે છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આચાર્ય સામે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓની છેડતી કરવા મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ફરિયાદમાં જણાવ્યા મુજબ આચાર્ય પ્રવીણ પટેલ અવારનવાર બાળકીઓના શરીરે જેમતેમ હાથ લગાવતો હતો તેમજ આ અંગે કોઈને જાણ કરશે તો મારી નાખવાની અને નાપાસ કરવાની ધમકી આપતો હતો, જેથી આ બાળકીઓ ખુબ જ ડરી ગઈ હતી. તેમાની એક બાળકી એટલી ડરી ગઈ હતી કે, તેની તબિયત લથડી હતી અને તે શાળાએ પણ જવા માટે ઈન્કાર કરતી હતી જેથી વાલીએ બાળકીને પૂછ્યું તો બાળકીએ સમગ્ર હકીકત જણાવી હતી. બાળકીએ જણાવ્યું કે, શાળાનો આચાર્ય ગંદી હરકતો કરતો હતો. જે બાદ આ આચાર્ય એક બે નહીં પણ અનેક બાળકીઓ સાથે ગંદી હરકતો કરી હોવાનો ખુલાસો થયો હતો. જેથી રોષે ભરાયેલા વાલીઓએ શાળાએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. ત્યારે અન્ય દિકરીઓએ પણ આચાર્ય તેમની સાથે ખરાબ હરકતો કરતો હોવાનો ખુલાસો કર્યો હતો. જે બાદ રોષે ભરાયેલા એક વાલીએ આચાર્યને લાફો પણ ઝીંકી દીધો હતો. જે બાદ તમામ વાલીઓ ભેગા થઈને હારીજ પોલીસ મથકમાં (Harij Police Station) નરાધમ આચાર્ય સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
હવે શાળાઓમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી રહી !
આ ઘટના સામે આવતા હવે સવાલ ઉઠી રહ્યા છે કે, શું શાળા જે વિદ્યાનું મંદિર કહેવાય છે ત્યા પણ દીકરીઓ સુરક્ષિત નથી તો શું આવા નરાધમોને કારણે વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ મોકલવાનું બંધ કરી દે ? બહાર તો દીકરીઓ સુરક્ષિત નથી જ પરંતુ શાળામાં પણ આવા નરાધમ શિક્ષકોથી દીકરીઓ સુરક્ષિત નથી તેવા કિસ્સાઓ ખુબ જ ચિંતાજનક છે .આવા નરાધમો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી જેથી આવો વિચાર કરતા પણ આરોપીઓ ડરે પરંતુ હવે તો લાગી રહ્યું છે કે, અરાધીઓમાં કાયદાનો થોડો પણ ભય નથી રહ્યો , બેટી પઢાવો , બેટી બચાવો, મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે ભાજપ સરકાર પણ મહિલાઓની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ નિવળી છે.
આ પણ વાંચો : વકફ બિલ પર JPC બેઠકમાં BJP અને TMC વચ્ચે ઘર્ષણ, MP કલ્યાણ બેનર્જી ઘાયલ, 4 ટાંકા આવ્યા