Paris Paralympic કપિલ પરમારે જુડોમાં બ્રોન્ઝ જીતી રચ્યો ઈતિહાસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

September 5, 2024

Paris Paralympic: કપિલ પરમારે ગુરુવારે (5 સપ્ટેમ્બર) Paris Paralympic 2024માં કમાલ કરી હતી. તેણે પુરુષોની 60 કિગ્રા (J1) જુડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જુડોમાં પેરાલિમ્પિક મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો છે. પરમારે બ્રોન્ઝ મેડલ મેચમાં બ્રાઝિલના એલિટોન ડી ઓલિવિરાને હરાવ્યો હતો. ભારતે તેનો 25મો મેડલ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ જીત્યા છે.

24 વર્ષીય પરમારે ઓલિવેરા સામે શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને એકતરફી જીત નોંધાવી હતી. તેણે આ મેચ 10-0ના રેકોર્ડ સાથે જીતી લીધી હતી. પરમાર અગાઉ સેમિફાઈનલમાં ઈરાનની એસ બનિતાબા ખોરમ અબાદી સામે 0-10થી હારી ગયો હતો. જે ખેલાડીઓ અંધ છે અથવા ઓછી દ્રષ્ટિ ધરાવે છે તેઓ પેરા જુડોમાં J1 શ્રેણીમાં ભાગ લે છે. પરમારે 2022 એશિયન ગેમ્સમાં આ જ કેટેગરીમાં સિલ્વર જીત્યો હતો.

કપિલ પરમાર છ મહિના કોમામાં રહ્યા

કપિલ પરમાર મધ્યપ્રદેશના શિવોર નામના નાના ગામના છે. કપિલ પરમારને બાળપણમાં અકસ્માત થયો હતો. તે પોતાના ગામના ખેતરોમાં રમી રહ્યો હતો ત્યારે તેણે અકસ્માતે પાણીના પંપને સ્પર્શ કર્યો, જેના કારણે તેને જોરદાર ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો. બેભાન પરમારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને છ મહિના સુધી કોમામાં રહ્યો. તે ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો છે. કપિલ પરમારના પિતા ટેક્સી ડ્રાઈવર છે જ્યારે તેમની બહેન પ્રાથમિક શાળા ચલાવે છે.

પીએમ મોદીએ કપિલ પરમારને અભિનંદન પાઠવ્યા હતા

ઐતિહાસિક મેડલ જીતવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કપિલ પરમારને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “ખૂબ જ યાદગાર પ્રદર્શન અને એક ખાસ મેડલ.” કપિલ પરમાર પેરાલિમ્પિકમાં જુડોમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની 60kg J1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ તેમને અભિનંદન! કપિલને તેના ભવિષ્ય માટે શુભકામનાઓ.

જ્યારે મહિલાઓની 48 કિગ્રા J2 વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની કોકિલાને કઝાકિસ્તાનની અકમરલ નૌતબેક સામે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ રેપેચેજ Aની J2 ફાઇનલમાં કોકિલા યુક્રેનની યુલિયા ઇવાનિત્સ્કા સામે 0-10થી હારી ગઈ હતી. આમાં તેને ત્રણ યલો કાર્ડ મળ્યા જ્યારે તેના વિરોધીને બે યલો કાર્ડ મળ્યા. જુડોમાં, નાના ભંગ બદલ યલો કાર્ડ આપવામાં આવે છે. આંશિક દ્રષ્ટિ ધરાવતા ખેલાડીઓ J2 શ્રેણીમાં ભાગ લે છે.

 

આ પણ વાંચો: પાકિસ્તાને Junagadhને પોતાનું ગણાવ્યું, કહ્યું- ભારતે ગેરકાયદેસર કબજો કર્યો

Read More

Trending Video