PV sindhu: પેરિસ ઓલિમ્પિક-2024માં પીવી સિંધુની સફર સમાપ્ત થઈ ગઈ છે. સિંધુને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે સિંધુનું ઓલિમ્પિક મેડલની હેટ્રિક નોંધાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ પછી સિંધુએ તેના ભાવિ કરિયર વિશે વાત કરી છે. તેણે લોસ એન્જલસમાં રમાનાર આગામી ઓલિમ્પિક ગેમ્સ અંગે મોટો સંકેત આપ્યો છે.
ભારતની દિગ્ગજ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ( pv sindhu) પેરિસ ઓલિમ્પિક-2024માંથી બહાર થઈ ગઈ છે. આ હાર બાદ સિંધુએ કહ્યું છે કે તેને ખાતરી નથી કે તે ચાર વર્ષ બાદ લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ સુધી રમશે કે નહીં.
પેરિસ ઓલિમ્પિકમાં સિંધુની સફર પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. તેણીને ચીનની ખેલાડી હી બિંગ ઝિયાઓએ હાર આપી હતી અને આ સાથે જ સિંધુનું ઓલિમ્પિક મેડલની હેટ્રિક નોંધાવવાનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ ગયું હતું. સિંધુ ચોક્કસપણે આ હારથી ઘણી નિરાશ છે અને મેચ બાદ તેણે નિવૃત્તિ વિશે વાત કરી હતી.
હજુ ચાર વર્ષ છે
આ વખતે સિંધુની નજર સતત ત્રીજો ઓલિમ્પિક મેડલ જીતવા પર હતી. તેણે રિયો ઓલિમ્પિક-2016માં ભારત માટે સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે પણ તે મેડલની દાવેદાર હતી, પરંતુ તેનું સપનું પૂરું કરી શકી નહીં. પોતાની ભાવિ કારકિર્દી અંગે સિંધુએ કહ્યું કે આગામી ઓલિમ્પિકમાં હજુ ચાર વર્ષ બાકી છે, તેથી તે તેના વિશે વિચારતી નથી.
સિંધુને કહ્યું, “આ (ઓલિમ્પિક્સ) હજુ ચાર વર્ષ દૂર છે. અત્યારે હું પાછી જઈશ અને આરામ કરીશ. હું થોડો બ્રેક લઈશ અને પછી પાછી આવીશ. પછી જોઈએ કે શું થાય છે કારણ કે ચાર વર્ષ લાંબો સમય છે.”
તે એક અદ્ભુત પ્રવાસ હતો
સિંધુએ કહ્યું કે તેની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. સિંધુએ કહ્યું, “સફર અદ્ભુત રહી. કેટલાક ઉતાર-ચઢાવ આવ્યા પણ હું ઈજામાંથી પરત આવી. બધુ બરાબર ચાલી રહ્યું હતું. તમે એવી આશા ન રાખી શકો કે તમને સરળ જીત મળશે કે તમારું ફોર્મ યોગ્ય સમયે આવશે. ક્યારેક આ તમારો દિવસ નથી અમે બધાએ સખત મહેનત કરી છે.”
પેરિસ ઓલિમ્પિકમાં મળેલી હાર અંગે સિંધુએ કહ્યું કે તે રમતને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકી હોત. “મેં કેટલીક ભૂલો કરી હતી જેને હું નિયંત્રિત કરી શકી હતી. અમે બધાએ સખત મહેનત કરી. અમે જે કરી શકતા હતા તે અમે કર્યું. બાકીનું નસીબ છે. મને કોઈ અફસોસ નથી”