હવે સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ મળશે અનામત, જાણો વિગતો

સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેથી વધુ સમય માટે કોન્ટ્રાક્ટ પર કરવામાં આવતી ભરતીમાં SC, ST અને OBC વર્ગોને અનામત આપવામાં આવશે.

October 6, 2023

 કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે સરકારી વિભાગોમાં લોકોને 45 દિવસ કે તેથી વધુ સમય માટે કોન્ટ્રાક્ટ પર નોકરી આપવામાં આવે છે તેમને અનામત આપવામાં આવે.

કોન્ટ્રાક્ટ નોકરીઓમાં પણ અપાશે અનામત

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBCવર્ગ માટે સારા સમાચાર છે. આ કેટેગરીના લોકોને હવે સરકારી વિભાગોમાં કરાર આધારિત ભરતીમાં અનામત મળશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ માહિતી આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેથી વધુ સમય માટે કોન્ટ્રાક્ટ પર કરવામાં આવતી ભરતીમાં SC, ST અને OBC વર્ગોને અનામત આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે, તમામ મંત્રાલયો અને વિભાગોને કામચલાઉ પદો પર આ અનામતનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી માહિતી

પ્રાપ્ત વિગતો મુજબ, કોન્ટ્રાકટ આધારિત નોકરીઓમાં SC, ST અને OBC કેટેગરી માટે અનામતની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભારત સરકાર દ્વારા 2022માં બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં આ માહિતી આપવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરાયેલ સત્તાવાર મેમોરેન્ડમ (OM)માં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની પોસ્ટ અને સેવાઓમાં નિમણૂકોના સંબંધમાં 45 દિવસ કે તેથી વધુ સમયની અસ્થાયી નિમણૂંકોમાં SC, ST અને પછાત વર્ગના ઉમેદવારો માટે અનામત હશે. જો કે, અસ્થાયી નિમણૂંકોમાં અનામતની વ્યવસ્થા 1968થી અમલમાં છે. આ અંગેની સૂચનાઓ 2018 અને 2022માં પણ જાહેર કરવામાં આવી છે.

નિયમનું પાલન નહીં કરવા પર થશે કાર્યવાહી

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં SC, ST અને પછાત વર્ગો પરની સંસદીય સમિતિના અહેવાલને ટાંકવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે કરારની નોકરીઓમાં અનામત માટેની સૂચનાઓ તમામ વિભાગો દ્વારા અનુસરવામાં આવી રહી નથી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે જો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર મેમોરેન્ડમનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.

Read More

Trending Video