North Korea:  અમારા ટ્રિગર પર લાગેલું સેફ્ટી લોક હવે ખુલી ગયું છે… ઉત્તર કોરિયાની દક્ષિણ કોરિયાને કડક ચેતવણી

October 11, 2024

 North Korea: ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર રાજધાનીમાં ડ્રોન ઉડાડવાનો અને દેશ વિરોધી પ્રચાર સામગ્રી છોડવાનો આરોપ લગાવ્યો છે. જો કોઈ ફરી આવું કરવાની હિંમત કરશે તો બળજબરીથી અને કડક જવાબી કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. ઉત્તર કોરિયાએ શુક્રવારે એક નિવેદન જારી કરીને દક્ષિણ કોરિયાને ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે ચેતવણી આપી છે.

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાના ડ્રોન રાજધાની પ્યોંગયાંગ ઉપર 3 ઓક્ટોબરે અને ગયા બુધવાર અને ગુરુવારે ઉડ્યા હોવાના અહેવાલ છે. મંત્રાલયે દક્ષિણ કોરિયા પર ઉત્તર કોરિયાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો અને તેની સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે. ભવિષ્યમાં આવું કરવામાં આવશે તો યુદ્ધની ચેતવણી પણ આપી છે.

તાજેતરના સમયમાં ઉત્તર-દક્ષિણ કોરિયામાં તણાવ વધ્યો

મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાના સૈનિકો દરેક રીતે હુમલાની તૈયારી કરશે. જો દક્ષિણ કોરિયાના ડ્રોન ઉત્તર કોરિયાના ક્ષેત્રમાં ફરીથી જોવામાં આવશે, તો તેઓ ચેતવણી આપ્યા વિના સખત જવાબ લેશે. દક્ષિણ કોરિયાની સરકાર અને સેનાએ ઉત્તર કોરિયાના નિવેદન પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી. મંત્રાલયે કહ્યું, ‘અમારા ટ્રિગર પર લાગેલું સેફ્ટી લોક હવે ખુલી ગયું છે. અમે દરેક વસ્તુ માટે તૈયાર રહીશું અને નજર રાખીશું. ગુનેગારોએ લોકોના જીવન સાથે જુગાર ન રમવો જોઈએ.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે લાંબા સમયથી તણાવ વધી રહ્યો છે. એક કારણ છે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન દ્વારા હથિયારોના પરીક્ષણમાં વધારો અને હુમલાની ધમકી. દરમિયાન, તાજેતરના મહિનાઓમાં દક્ષિણ કોરિયા દ્વારા યુએસ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસમાં વધારો થવાને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ સપ્તાહના બુધવારે ઉત્તર કોરિયાએ કહ્યું કે તે દક્ષિણ કોરિયા સાથેની તેની સરહદને કાયમી ધોરણે બ્લોક કરી દેશે. તે દક્ષિણ કોરિયા અને અમેરિકન સેનાની ઉશ્કેરણીજનક કાર્યવાહીનો સામનો કરવા માટે સંરક્ષણ ક્ષમતાઓ પણ વિકસાવશે.

 

 

આ પણ વાંચો: Tamilnaduમાં ટ્રેન દુર્ઘટના, તિરુવલ્લુરમાં એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર

 

Read More

Trending Video