Nita Chaudhry : કચ્છ પોલીસની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhry)એ સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ ઉભી કરી દીધી છે. સાથે જ અત્યારે તેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ભચાઉના વોન્ટેડ બૂટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનાના આરોપી નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતાં કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે.
નીતા ચૌધરીને હત્યાના પ્રયાસના ગુનામાં મળેલા જામીન ગઈકાલે સવારે સેશન્સ કૉર્ટે રદ્દ કરી તેને કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો. જો કે, કૉર્ટનો હુકમ આવ્યો ત્યારે નીતા ચૌધરી કૉર્ટમાં હાજર નહોતી. આદિપુરમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી નીતાના ઘેર ભચાઉ પોલીસ પહોંચી ત્યારે ઘર બંધ હતું. ત્યારબાદ પોલીસે નીતાને શોધવા ઠેર ઠેર પ્રયાસો શરૂ કરેલાં પરંતુ તે લાપત્તા છે.
ભચાઉના પીઆઈએ જણાવ્યું કે, નીતા પાલનપુરની વતની છે. અમે તેના સાસરીયે તપાસ કરી પરંતુ તેનો પતિ પણ પત્ની ક્યાં છે તે અંગે અજાણ છે. નીતાનો મોબાઈલ ફોન હાલ પોલીસના કબજામાં છે. નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતાં કચ્છ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. નીતા ચૌધરીને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. નીતાના સંભવિત સંપર્કો અને સ્થળો પર પોલીસે સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નીતા ચૌધરીને મળેલાં જામીન રદ્દ કરવા માટે પોલીસે જે વિવિધ દલીલો રજૂ કરેલી તેમાં નીતાના જામીન મેળવીને ફરાર થઈ જવાની મુદ્દો પણ દર્શાવવામાં આવ્યો હતો.