Niranjan Vasava એ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ્ટ મામલે કર્યા ખુલાસા

November 27, 2025

Niranjan Vasava : નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ ગુજરાતની ખાડે જતી શિક્ષણ વ્યવસ્થાનો વધુ એક નમૂનો આપતા જણાવ્યું હતું કે, નર્મદાના નાંદોદ તાલુકાના મોટી ચીખલી ગામ જે રાજપીપળાથી 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે, ત્યાં પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણના બાળકો ભણે છે, પણ શિક્ષણની બલિહારી કે ત્યાં એક પણ શિક્ષક નથી અને આજુબાજુના ગામ જે પાંચથી સાત કિલોમીટર દૂર આવેલા છે તે ગામના પ્રાથમિક શાળાના શિક્ષકો એક અઠવાડિયામાં એક શિક્ષક આવે છે, જે એક થી પાંચ ધોરણના બાળકોને ભણાવે છે અને ત્યારબાદ બીજા ગામના પ્રાથમિક શાળાના શિક્ષક બીજા અઠવાડિયે આવે છે અને તે આ બાળકોને ભણાવે છે. આમ સાત ગામના પ્રાથમિક શાળાના શિક્ષકો એક એક અઠવાડિયે એક શિક્ષક આવીને આ બાળકોને ભણાવે છે.

નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, જે બાળકોની નોટબુક ચેક કરી તો બીજા ધોરણના બાળક, ચોથા ધોરણના બાળક અને પાંચમા ધોરણના બાળક આ તમામ બાળકોને નોટબુકમાં એક જ પ્રકારના શબ્દો લખેલ છે. એટલે કે જે શિક્ષક તેમને ભણાવે છે તે શિક્ષક બીજા ધોરણવાળા, ચોથા ધોરણવાળા અને પાંચમા ધોરણવાળા એમ એક થી પાંચ ધોરણના તમામ બાળકોને એક સરખું શિક્ષણ આપી રહ્યા છે. અને આવતા અઠવાડિયે જે શિક્ષક આવે તેને પોતે ખબર નહીં હોય કે આગલા અઠવાડિયે બીજા શિક્ષકે શું આ બાળકોને શીખવાડીને ગયા છે અને જે પાંચમા ધોરણના બાળક છે. તેમને તો ગણિત, પર્યાવરણ, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી જેવા વિષય આવે છે તો આ વિશ્વમાં એમને કોણ યોગ્ય શિક્ષણ પૂરું પાડશે..? મધ્યાહન ભોજનમાં પણ ગુણવત્તા વગરનું જમવાનું આપવામાં આવે છે અને જ્યાં જમવાનું બનાવે છે એ ઓરડો પણ જર્જરી હાલતમાં છે, જેની ઉપર તાડપત્રી લગાવવામાં આવી છે જેથી કરીને ઉપર જે સ્લેપના પોપડા જમવામાં ના પડે અને એ પોપડા પડે તો કોઈને વાગે નહીં કે પછી જમવામાં પડે નહીં એ માટે તાડપત્રી લગાવવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યાં બાળકોને પીવા માટે પાણીની સુવિધા નથી, જેના કારણે બાળકોને પીવાના પાણીની તકલીફ પડી રહી છે તો સરકાર જે કરોડો રૂપિયાના નવા પ્રોજેક્ટ અને નવી નવી યોજનાઓ લાવે છે અને કરોડો રૂપિયાના તાયફાઓ કરે છે એના કરતાં જે શાળાઓ છે એ શાળાઓની મુલાકાત લઇ અને ત્યાં શિક્ષકો નથી ત્યાં શિક્ષકોની ભરતી કરે અને જે પાયાની સુવિધાઓ નથી એ સુવિધાઓ પૂરી પાડે એવી સરકાર અને જિલ્લા પ્રશાસનને અમારી માંગણી છે. આજે સરકાર જ્યારે ’બેટી બચાવો બેટી પઢાવો’ અને ’પઢેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા’ અને ગુજરાત મોડલની ઇન્ટરનેશનલ લેવલ પર મોટી મોટી વાતો કરતી હોય છે પણ જ્યારે આવા વિસ્તારમાં આવીને મુલાકાત લે તો સરકાર અને સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખબર પડે કે શું ખરેખર આપણે છેલ્લા 30 – 35 વર્ષથી વિકાસ કરી રહ્યા છે કે પછી પેલી કહેવત પ્રમાણે ’દીવા તળે અંધારું’ એવી પરિસ્થિતિ આ ટ્રાયબલ વિસ્તારમાં છે. શું આ વિકાસ છે કે પછી વિનાશ થઈ રહ્યો છે..? કહી નિરંજન વસાવાએ સરકાર અને પ્રશાસનનો બરાબર ઉધડો લીધો હતો.

આ પણ વાંચોJayesh Radadiya : પાલનપુરમાં જયેશ રાદડિયાની પાટીદાર દીકરા-દીકરીઓને ટકોર, લેઉવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં કહી મોટી વાત

Read More

Trending Video