Nikol Hit And Run માં વધુ એક કરુણ વળાંક: ઈજાગ્રસ્ત સ્નેહલ વસોયાનું સારવાર દરમિયાન મોત, મૃત્યુઆંક વધીને 3 થયો

November 4, 2026

Nikol Hit And Run: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં બેફામ ગતિએ દોડતી ફોર્ચ્યુનર કારથી નિર્દોષ નાગરિકોને કચડી નાખવાના ચકચારી કેસમાં વધુ એક અત્યંત દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં પરિણીતા સ્નેહલબેન વસોયાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ સાથે જ નબીરા વિરલ ચૌધરીના પાપે જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકોની સંખ્યા વધીને હવે 3 થઈ ગઈ છે. બીજી તરફ, મૃતક સ્નેહલ વસોયાના પતિ કાર્તિકભાઈ વસોયા હજુ પણ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. નશેડી નબીરાની મોજશોખ ભરેલી દારૂપાર્ટીના કારણે હસતા-રમતા પરિવારોનો માળો પળવારમાં પીંખાઈ જતાં સમગ્ર પંથકમાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો, ફાંસીની ઉગ્ર માંગ

સ્નેહલ વસોયાના મોતના સમાચાર મળતાં જ હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત સગા-સંબંધીઓ અને પાટીદાર સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આક્રોશિત પરિવારે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી નબીરા વિરલ ચૌધરી અને તેના મળતિયાઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરીને તેમને ફાંસીના માંચડે લટકાવવાની ખાતરી નહીં મળે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ કલ્પાંત કરતાં જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય અકસ્માત નથી પરંતુ ખુલ્લેઆમ કરવામાં આવેલી નિર્મમ હત્યા છે. એક જ ક્ષણમાં ત્રણ-ત્રણ લોકોનો ભોગ લેનારા ગુનેગારને કોઈપણ સંજોગોમાં જામીન ન મળવા જોઈએ.

અગાઉ માતા-પુત્રનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું મોત

ઉલ્લેખનીય છે કે આ ભયાનક અકસ્માત સર્જાયો ત્યારે ફોર્ચ્યુનર કારની ગતિ એટલી પ્રચંડ હતી કે રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો હવામાં ફંગોળાઈ ગયા હતા. આ લોહિયાળ કાંડમાં ઘટનાસ્થળે જ નિર્દોષ માતા અને તેમના વહાલસોયા પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સ્નેહલ વસોયા અને તેમના પતિ કાર્તિકભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબીબોની સઘન સારવાર છતાં સ્નેહલબેનને બચાવી શકાયા નથી, જ્યારે તેમના પતિ કાર્તિકભાઈ હજુ પણ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે.

ફોર્ચ્યુનર કારમાં મિત્ર સાગર પણ સવાર હતો, અકસ્માત બાદ ભાગી છૂટ્યો

પોલીસ તપાસમાં આ સમગ્ર કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. નિકોલ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં માત્ર વિરલ ચૌધરી એકલો નહોતો, પરંતુ તેનો પરમ મિત્ર સાગર પણ તેની સાથે આગળની સીટ પર સવાર હતો. કારે નિર્દોષ લોકોને કચડી નાખ્યા બાદ સ્થળ પર સર્જાયેલી અફરાતફરીનો લાભ લઈને સાગર કારમાંથી કૂદીને નાસી છૂટ્યો હતો. નિકોલ પોલીસે હવે વિરલની સાથે સાગર વિરુદ્ધ પણ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘરે મહેફિલ માણી, નશો ઓછો લાગતાં ચાલુ ગાડીએ ફરી દારૂ પીધો

તપાસ દરમિયાન સૌથી શરમજનક બાબત એ સામે આવી છે કે આ બંને નબીરાઓએ અકસ્માત પૂર્વે સાગરના ઘરે દારૂની મહેફિલ માણી હતી. બંનેએ ત્યાં ભરપૂર માત્રામાં વિદેશી દારૂ ઢીંચ્યો હતો. આટલેથી સંતોષ ન થતાં અને નશો ઓછો લાગતાં તેઓ કાર લઈને રસ્તા પર નીકળી પડ્યા હતા અને ચાલુ કારે પણ વધુ દારૂ પીધો હતો. દારૂના ભયંકર નશામાં અંધ બની ગયેલા વિરલ ચૌધરીએ એક્સિલેટર પર પગ દબાવી રાખ્યો હતો અને પરિણામે માર્ગ પરથી પસાર થતાં નિર્દોષ લોકો તેના કાળમુખા વાહનની અડફેટે આવી ગયા હતા.

તથ્યકાંડ બાદ પણ કાયદાનો કોઈ ખોફ નહીં?

ઇસ્કોન બ્રિજ પર બનેલા ચર્ચાસ્પદ તથ્ય પટેલ કાંડ બાદ ગુજરાત સરકારે ટ્રાફિક અને ઓવરસ્પીડિંગ મામલે કડક કાયદાના અમલની મોટી-મોટી વાતો કરી હતી. પરંતુ નિકોલની આ લોહિયાળ ઘટના દર્શાવે છે કે પૈસાદાર નબીરાઓમાં કાયદો કે વ્યવસ્થાનો કોઈ જ ખોફ રહ્યો નથી. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે આ નબીરાઓ રસ્તા પર ખુલ્લેઆમ ચાલુ ગાડીએ દારૂ પીવાની હિંમત ક્યાંથી લાવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. પ્રજા હવે પૂછી રહી છે કે આવા બેફામ નબીરાઓ ક્યાં સુધી સામાન્ય નાગરિકોના જીવ લેતા રહેશે? આ કેસમાં દાખલારૂપ કડક સજા નહીં થાય તો કાયદા પરથી સામાન્ય માણસનો વિશ્વાસ સાવ ઊઠી જશે.

આ પણ વાંચો: Surat: કતારગામમાં માથા વગરના ધડ કેસનો ભેદ ઉકેલાયો, માત્ર ₹30,000 ની લેતીદેતીમાં સાથી કારીગરે જ મિત્રનું કોઈતાથી માથું વાઢી નાખ્યું

Read More

Trending Video