NEET UG Result 2024: જ્યાં લાખો રુપિયા લઈને NEETનું પેપર સોલ્વ કરાવતા હતા તે કેન્દ્રનું શું આવ્યું પરિણામ ?

July 20, 2024

NEET UG 2024 Result: NEET વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET ઉમેદવારોના કેન્દ્ર અને શહેર મુજબના માર્કસ જાહેર કર્યા છે. ઉમેદવારો NTA NEET UG ની અધિકૃત વેબસાઇટ https://exams.nta.ac.in/NEET/ ની મુલાકાત લઈને તેમના ગુણ ચકાસી શકે છે.આ તપાસવા માટે,તમારે વેબસાઈટના હોમપેજ પર આપેલ ‘NEET (UG) RESULT 2024 CITY/CENTRE WISE’ લિંક પર ક્લિક કરવાનું રહેશે. જાહેર કરાયેલા માર્કસ મુજબ,ગોધરામાં વિવાદાસ્પદ જય જલારામ સ્કૂલ, પરવાડી ગોધરા પરીક્ષા કેન્દ્ર ખાતે 27.93% ઉમેદવારોએ NEET પરીક્ષા પાસ કરી છે.

 ગોધરા કેન્દ્રનું NEET પરિણામ

આ વિવાદિત પરીક્ષા કેન્દ્રનો કોડ 220502 છે. NTA દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, કુલ 648 ઉમેદવારોએ આ પરીક્ષા કેન્દ્ર પર 5 મેના રોજ અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2024ની પરીક્ષા આપી હતી. તેમાંથી 181* વિદ્યાર્થીઓએ NEET UG પરીક્ષામાં લાયકાત મેળવી છે. એટલે કે 27% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે જનરલ કેટેગરીના પાસિંગ માર્કસ 164 છે.

આ પરીક્ષા કેન્દ્રમાં ટોપ સ્કોર 720માંથી 600 માર્ક્સ રહ્યો છે, એક વિદ્યાર્થીએ સૌથી વધુ 600 માર્ક્સ મેળવ્યા છે, જ્યારે 7 વિદ્યાર્થીઓએ 500 કે 500થી વધુ માર્ક્સ મેળવ્યા છે. 648 આ પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ ગુણ 200 આસપાસ છે. સૌથી ઓછો -12 રહ્યો છે. ત્રણ વિદ્યાર્થીઓનું પરિણામ -3, -5 અને -12 આવ્યું છે.

 જય જલારામ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં શું થયું?

NEET UG પરીક્ષામાં ગેરરીતિનો સૌથી ચર્ચિત કિસ્સો ગોધરાની જય જલારામ સ્કૂલનો છે. ગોધરા NEET પરીક્ષામાં ગેરરીતી કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્મા અને શિક્ષક તુષાર ભટ્ટ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભૌતિકશાસ્ત્રના શિક્ષક તુષાર ભટ્ટને NEET-UG પરીક્ષા કેન્દ્રમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓનું સેટિંગ હતું તેઓને બને તેટલું પેપર સોલ્વ કરવાનું કહેવામાં આવ્યું હતું અને બાકીનું પેપર છોડવું પડ્યું હતું, જેને સંપૂર્ણ રીતે ઉકેલવાની જવાબદારી શિક્ષક તુષાર ભટ્ટની હતી.

ગોધરામાં છેતરપિંડીના આરોપો બાદ ગુજરાત પોલીસે શાળાના શિક્ષકો સાથે સંકળાયેલા તુષાર ભટ્ટ, રોય, પુરુષોત્તમ શર્મા, એજ્યુકેશન કન્સલ્ટન્ટ વિભોર આનંદ અને મધ્યસ્થી આરીફ વોહરાના નામ સામેલ કર્યા છે. રોય સિવાય સીબીઆઈએ ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા. શિક્ષક તુષાર ભટ્ટ પેપર સોલ્વ કરવાના હતા. જે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સોંપવામાં આવ્યા હતા તેઓને OMR શીટમાં બને તેટલા સર્કલ ભરવાનું કહેવામાં આવ્યું હતું, બાકીનું પેપર તુષાર ભટ્ટે સોલ્વ કરવાનું હતું.

ઉમેદવારો પાસેથી 10-10 લાખ રૂપિયાની માંગણી કરી હતી

તુષારે કબૂલાત કરી હતી કે તેણે પેપર સોલ્વ કરવાના બદલામાં ઉમેદવારો પાસેથી 10-10 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જ્યારે સર્ચ દરમિયાન તેની કારમાંથી 7 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. 5 મેના રોજ પોલીસને શિક્ષક તુષાર ભટ્ટેના મોબાઈલ ફોન પરથી 16 ઉમેદવારોના નામ, રોલ નંબર અને તેમના પરીક્ષા કેન્દ્રોની યાદી મળી હતી.

આ પણ વાંચો : NEET UG 2024 Results Declared: NTA એ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માટે કેન્દ્રવાર પરિણામો જાહેર કર્યા, આ રીતે ચેક કરો

Read More

Trending Video