Navsari: નવસારી (Navsari) શહેરની હોટલમાં ગત 23 સપ્ટેમ્બરના રોજ પ્રેમી સાથે એકાંત માણવા આવેલી યુવતીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં શરીર સંબંધ બાંધતી વખતે યુવતીના ગુપ્તાંગમાંથી વધુ પડતું લોહી વહી જતા અને સમયસર સારવાર ન મળતા મોત થયાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં યુવતીની હાલત બગડ્યા બાદ પણ યુવકે 108ને બોલાવવાના બદલે લોહી કઈ રીતે બંધ કરવું તેની પદ્ધતિ જાણવા મોબાઈલમાં ગુગલ સર્ચ કર્યું હોવાનું સામે આવ્યું છે. બે કલાક સુધી હોટલમાં જ યુવકે સમય વિતાવી દીધો હતો જેના કારણે સમયસર સારવાર મળી ન મળતા યુવતીનું મોત થયું છે. ત્યારે યુવતીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હોટેલમાં અંગત પળો માણવા ગયેલ યુવતીનું મોત અંગે ચોંકાવનારો ખુલાસો
મળતી માહિતી મુજબ ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને ચીખલી તાલુકાના નોગામા ગામે રહેતા 26 વર્ષીય ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલ નામના યુવકની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા થયા બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. જેથી આ બંને પ્રેમી પંખીડા ગત 23મી સપ્ટેમ્બરના રોજ બપોરે એકાંતની પળો માણવા નવસારીના ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ હેપ્પી સ્ટેના રૂમમાં ગયા હતા જ્યાં બંનેએ શરીર સંબંધ બાંધ્યો હતો જો કે, શરીર સંબંધ બાંધતા યુવતીના શરીરના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.જેથી યુવક ગભરાઈને લોહી બંધ કરવાના જાતે જ પ્રયાસો શોધતો રહ્યો હતો જેમાં લોહી કેવી રીતે બંધ કરવું એ માટે મોબાઈલમાંથી ગુગલમાં પણ સર્ચ કર્યું હતો જોકે અંતે તેમાં સફળ ન થતા બે કલાક બાદ યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી.જે અંગે મૃતક યુવતીનું સુરત ખાતે પેનલ પીએમ કરાવી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે શરીર સંબંધ બાંધતી સમયે ગુપ્તાંગમાં ઈજા થયા બાદ વધુ પડતું લોહી વહી જવાના કારણે યુવતીનું મોત નિપજ્યું છે.
પોલીસે યુવકની કરી ધરપકડ
ત્યારે આ મામલે પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે જો આરોપી યુવાન ભાર્ગવ પટેલે યુવતીની ગંભીર સ્થિતિમાં સમયનો વેડફાટ ન કર્યો હોત તો કદાચ યુવતી જીવતી બચી શકી હોત. તે આધારે તેના વિરુદ્ધ BNS 105,238 મુજબનો ગુનો દાખલ કરી,મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે આરોપી ભાર્ગવ પટેલની ધરપકડ કરવામાં આવી છે.