MLA Chaitar Vasava: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવતા હોય છે તેમજ તેઓ આ સમસ્યાઓને લઈને અધિકારીઓ અને પોલીસ સામે પણ બોલાચાલી પણ કરતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી મહિલાની મદદે આવ્યા છે.મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સગાઈ ગામે ગત તારીખ 20/10/2024 ના રોજ કવિતાબેન જેન્તીભાઇ વસાવા જેઓ સવારે ગામના જંગલમાં ઢોરો ચરાવવા ગયા હતા. બપોર પછી કોકટી બીટના બીટગાર્ડ અચાનક કવિતાબેન પાસે આવી કોઈપણ જાતની પૂછ પરછ કર્યા વગર સાગના લીલા દંડા વડે ઢોર માર માર માર્યો હતો.કવિતા બેને બુમાબુમ કરતા થોડે દૂર ઢોર ચરાવી રહેલ જાતરીબેન ઘટના સ્થળે પહોંચે છે. ત્યાંથી બીટ ગાર્ડ ભાગી જાય છે. જાતરીબેન કવિતાબેનને ઘરે પહોંચાડે છે. ત્યારબાદ તેમને દેડીયાપાડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. અત્યાચારનો ભોગ બનનાર મહિલા ન્યાયની અપેક્ષા સાથે કાયદેસરની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ચૈતર વસાવા આ પીડિત આદિવાસી મહિલાની વ્હારે આવ્યા છે. અને તેમના માટે અવાજ ઉઠાવ્યો છે ચૈતર વસાવાએ કાર્યવાહી કરવા માચે 24 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.
આદિવાસી મહિલાની વ્હારે આવ્યા ચૈતર વસાવા
આ મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, તારીખ 20ના રોજ સગાઈ ગામના કવિતાબેનને ફોરેસ્ટ વિભાગના બીટગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યાં કોઈ પ્લાન્ટેશન પણ નથી, ત્યાં કવિતાબેન ફક્ત પોતાની ગાયો ચરાવતા હતા. વધારે ઇજા હોવાના કારણે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા. 24 કલાક થઈ ગયા અને પોલીસ તંત્ર હજુ પણ ઊંઘમાં છે તેના કારણે આજે અમારે આવવું પડે છે. શું પોલીસ તંત્ર આ બહેનની મરી જવાની રાહ જોઈને બેઠું છે?
ચૈતર વસાવાએ આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ
ચૈતર વસાવાએ કહ્યું કે, અમારા આવ્યા બાદ હવે ગુનો દાખલ થઈ રહ્યો છે.અમારી માંગણી છે કે જો 24 કલાકમાં ગુનેગારોને પકડવામાં નહીં આવે તો આ ગુરુવારે અમે તમામ આદિવાસી સમાજના લોકો ભેગા થઈને જંગલ ખાતાની ઓફિસે જવાના છીએ. બીટગાર્ડના હાથે બનેલો આ ત્રીજો બનાવો છે. આદિવાસી સમાજના લોકો એક છે કે કેમ તે જાણવા માટે આ લોકો આ રીતની હરકતો કરી રહ્યા છે. ગુરુવારે અમે અમારી એકતાનો નમુનો બતાવીશું. પોલીસે કહ્યું કે સરકારી અધિકારી છે માટે એફઆઇઆરમાં વાર લાગે છે
ચૈતર વસાવાએ અધિકારી પર ઉઠાવ્યા સવાલ
ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યો કે, સરકારી અધિકારીને આ રીતે કોઈ મહિલાને ઢોર મારવાનો અધિકાર કોણે આપ્યો છે? જો આ બેને કોઈ ભૂલ કરી હોય તો આ બેન પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ આ રીતે ઢોર માર શા માટે માર્યો? વિસ્તાર અમારો, વસ્તી અમારી અને બહારના લોકો આવીને અમારી માતા બહેન દીકરીઓ પર આ રીતનો અત્યાચાર કઈ રીતે કરી શકે? અમે આ અત્યાચાર સહન કરીશું નહીં.
ચૈતર વસાવાએ સરકાર પર કર્યા પ્રહાર
વધુમાં ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, સરકાર મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે પરંતુ આજે સરકારના અધિકારી દ્વારા ઉપલા અધિકારીની સુચનાથી એક મહિલાને ઢોર માર મારે છે, આ બહેન દવાખાનામાં એડમિટ છે અને તેમની સ્થિતિ દયનીય છે, તેમ છતાં પણ પોલીસ ખાતું ફરિયાદ લેતું નથી. અમારે દુઃખ સાથે કહેવું પડે છે ઉચ્ચ અધિકારીઓના વહાલા દવલાની નીતિના કારણે આજે અમારા આદિવાસી લોકો પીસાઈ રહ્યા છે. અમે ફક્ત 24 કલાક આપીએ છીએ, જો 24 કલાકમાં કાર્યવાહી ન કરવામાં આવી તો અમે હજારોની સંખ્યામાં ફોરેસ્ટ ખાતાની ઓફિસે ભેગા થઈશું.