Mumbai Rains: છ કલાકમાં રેકોર્ડબ્રેક 12 ઈંચ વરસાદ ખાબકતાં મુંબઈમાં જળબંબાકાર, જુઓ દ્રશ્યો

July 8, 2024

Mumbai Rains: મહારાષ્ટ્રના (Maharashtra) ઘણા વિસ્તારોમાં તાજેતરના વરસાદને (Rain) કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે વરસાદની રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે, અને ઘણા વિસ્તારોમાં શાળા, કોલેજો અને ઓફિસો બંધ કરી દેવામાં આવી છે.

ભારે વરસાદથી મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત

ભારે વરસાદને કારણે મુંબઈના (Mumbai) વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં, રવિવારે રાત્રે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકના ગાળામાં વિવિધ સ્થળોએ 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. આજે પણ મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે.

રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયા

ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. દાદરમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રસ્તાઓ અને રેલ્વે પર પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે રસ્તા પર દોડતી ગાડીઓ પણ પાણીમાં અડધી ડૂબી ગઈ છે. રેલવે ટ્રેક પર પણ પાણી જમા થયા છે.

શાળા કોલેજોમાં રજા જાહેર

વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે, મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ (BMC વિસ્તાર)ની તમામ BMC, સરકારી અને ખાનગી શાળાઓ અને કૉલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરી છે. સાથે જ કહ્યું કે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગામી સત્ર માટે નિર્ણય લેવામાં આવશે.

BMCએ લોકોને કરી આ અપીલ

નાગરિકોએ કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવો જોઈએ. એકદમ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો. BMCએ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે 1916 નંબર પર સંપર્ક કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :  Gujarat Politics : ભાજપમાં ભેંસ ભાગોળે અને છાસ છાગોળે.. જેવી સ્થિતિ, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે મહત્વનું પદ મેળવવાની ઉઠી માંગ

Read More

Trending Video