Mumbai: શિવાજી પાર્કમાં પરવાનગી વગર કર્યું પ્રદર્શન, CJP નેતાઓ સહિત 500 લોકો સામે એફઆઈઆર (FIR) નોંધાઈ

October 3, 2026

Mumbai: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં પોલીસની મંજૂરી વગર આંદોલન કરવાના મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતાઓ સહિત લગભગ 500 લોકો સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. ગત 2 ઓક્ટોબરના રોજ શિવાજી પાર્કમાં સાંજે 4 થી 7 વાગ્યાની વચ્ચે આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, પરવાનગી ન આપવામાં આવી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો શિવાજી પાર્કમાં એકઠા થયા હતા. આ દરમિયાન જાહેર સભા યોજવા, સૂત્રોચ્ચાર કરવા અને જાહેર માર્ગ પર મોટા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાના આરોપો મૂકવામાં આવ્યા છે.

જાણીતા નેતાઓ સામે ગુનો દાખલ

આ મામલે CJP નેતા અભિજીત દીપકે, અજિંક્ય શિંદે, પ્રણય અહિરે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ સહિતના અન્ય લોકોના નામ એફઆઈઆરમાં નોંધાયા છે. આ ઉપરાંત આફરીન નવાઝ, સૌમ્યા કોર્ડે, અંકિત ભારદ્વાજ, વિજય માલગી અને યોગેશ ઈંગલેના નામ પણ સામેલ છે. શિવાજી પાર્ક પોલીસે આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2) અને 223 તેમજ મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમ 37(1), 37(3) અને 135 હેઠળ કેસ નોંધ્યો છે.

મુંબઈ પોલીસે નહોતી આપી પ્રદર્શનની પરવાનગી

પોલીસ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે CJP ને શિવાજી પાર્કમાં પ્રદર્શન કરવાની સ્પષ્ટ ના પાડી હતી, પરંતુ તેમ છતાં વિરોધ પ્રદર્શન યોજાતાં હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હાલ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ પાઠવી નોટિસ

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે (NHRC) કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં સગીર બાળકોને ગેરકાયદેસર રીતે સામેલ કરવાના આરોપસર નોટિસ પાઠવી છે. પોલીસની કાર્યવાહી રોકવા માટે બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરવાની યોજના હોવાના અહેવાલો બાદ આયોગે આ મામલે લેવાયેલા પગલાંનો અહેવાલ માંગ્યો છે.

દિલ્હીમાં પણ ત્રણ એફઆઈઆર દાખલ

મુખ્ય ચૂંટણી કમિશનર સામેના આ વિરોધ પ્રદર્શન મામલે દિલ્હીમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. જંતર-મંતર પર પરવાનગી વગર પ્રદર્શન કરવા બદલ દિલ્હી પોલીસે અજ્ઞાત લોકો સામે ત્રણ એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી બે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં અને એક કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 2 ઓક્ટોબરના રોજ દિલ્હી પોલીસે આંદોલનકારીઓને જંતર-મંતર પહોંચતા અટકાવ્યા હતા અને 1000 થી વધુ લોકોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: CJP Jantar Mantar Protest: લોકશાહી બચાવવા દેશભરમાંથી દિલ્હી કૂચ! CJP ના આદેશથી કેન્દ્ર સરકારમાં હલચલ

Read More

Trending Video