Mumbai : મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે મહાનાટિકા યોજાઈ, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”નું ગ્રાન્ડ પ્રિમિયર યોજાયું

August 16, 2024

Mumbai : મુંબઈમાં 14 ઓગસ્ટના એક સંગીતમય નાટિકા યોજાઈ હતી. આ સંગીત નાટિકા મુંબઈના NMACC માં યોજાઈ હતી. સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના ગ્રાન્ડ પ્રિમિયરે ઓગસ્ટ 14, 2024ના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ થિએટર ખાતે ઉપસ્થિત પ્રેક્ષકગણને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પૂજનીય ધર્મગુરુઓ, બોલિવૂડના કલાકારો તથા અન્ય માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાર પછીના દિવસ, 15 ઓગસ્ટ 2024ના રોજ, આ સીમાચિહ્નરૂપ સંગીત નાટિકાની ભવ્ય પ્રસ્તુતિ કરતો પ્રથમ શો યોજાયો હતો. ભગવાન કૃષ્ણની ભવ્યતા અને સંમોહનરૂપ દૈવી પ્રેમ, જીવન અને લીલાની અનુભૂતિમાં દર્શકો ગરકાવ થઈ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણને તેમના દૈવી સ્વરૂપો એટલે કે લડ્ડુ ગોપાલ, શ્રીનાથજી, અને રાજાધિરાજના સ્વરૂપમાં નિહાળીને ધન્યતા અનુભવતા દર્શકોએ સહૃદય સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

ગ્રાન્ડ પ્રિમિયરમાં નાથદ્વારા ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ એચ.એચ. તિલકાયત ગોસ્વામી શ્રી રાકેશજી મહારાજશ્રી, અને નાથદ્વારા મંદિરમાં તેમના વારસદાર તથા શ્રીનાથજી મંદિરના પરિચારક શ્રી ભૂપેશકુમારજીએ (વિશાલ બાવા) સહપરિવાર ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.

“અવતારકાળમાં પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની તેમની જન્મભૂમિથી કર્મભૂમિ સુધીની યાત્રા તેમજ અનાવતારકાળમાં પ્રભુ શ્રીનાથજી તરીકે જાણીતા નિકુંજનાયક શ્રી ગોવર્ધનધરની વ્રજથી મેવાડ સુધી યાત્રાને અદ્દભુત અને અલૌકિક રીતે પ્રસ્તુત કરાઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ તો મારા, તમારા અને સહુના છે. હું આશા રાખું છું કે આ મેગા મ્યુઝિકલનું ભક્તિ સંગીત માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરના દરેક ઘરમાં વાગતું રહેશે. રાધાજી માટે ભગવાન શ્રી કૃષ્ણના તથા રૂકમણીજી માટે દ્વારિકાધીશના પ્રેમની અભિવ્યક્તિનું જે રીતે મિશ્રણ કરાયું છે તે મારા હૃદયને સ્પર્શી ગયું છે,” એમ શ્રીનાથજી મંદિરના વારસદાર તથા પરિચારક શ્રી ભૂપેશકુમારજીએ (વિશાલ બાવા) જણાવ્યું હતું.

ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના પ્રોડ્યુસર શ્રી ધનરાજ નથવાણીએ આનંદની અભિવ્યક્તિ કરતા જણાવ્યું હતું કે: “આ સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના પ્રિમિયર તથા પ્રથમ શોને સાંપડેલા અભૂતપૂર્વ પ્રતિસાદને અમે ખરેખર આશીર્વાદરૂપ ગણીએ છીએ. શ્રી કૃષ્ણની રસ તરબોળ કરતી અને વિસ્મયકારક દિવ્ય કથાની પ્રસ્તુતિ દરમિયાન પ્રક્ષકો ભાવવિભોર બની ગયા હતા. અમારું સૌથી મોટું કોમ્પ્લિમેન્ટ એ હતું કે એવું એક પણ વ્યક્તિ ન હતું જે આ સંગીત અને સ્ટેજ પરથી જ ગવાતા ગીતોથી રોમાંચિત ન થયું હોય. દરેક વ્યક્તિને તે પસંદ પડ્યું. અમે જેની હમેંશા ઇચ્છા રાખી હતી કે આ લોકો સુધી અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે અને તે ઇચ્છા ફળીભૂત બની. આ એક સંગીતનાટિકા છે, જે નાના બાળકોને મનોરંજન માટે પસંદ આવશે અને તે જોઈને કૃષ્ણના જીવનમાંથી કાંઈક શીખ લઈને તેઓ ઘરે જશે. જે લોકો કૃષ્ણમાં માને છે તેમની ભક્તિ પ્રગાઢ બનશે. માટે તમામ રીતે, દરેક વ્યક્તિ પર આની ભવ્ય અસર થશે.”

સમૃધ્ધ સ્ટોરીટેલિંગ, આશ્ચર્યજનક વિઝ્યુઅલ્સ, અને હ્રદયના તાર ઝંઝણાવી દે તેવા સંગીત સાથે, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર શ્રીમતી ભૂમિ નથવાણી રસ તરબોળ કરી દે તેવા અનુભવની ખાતરી આપે છે. શ્રૃતિ શર્માના નિર્દેશન હેઠળનું આ પ્રોડક્શન 180 કરતાં વધારે કલાકારોની પ્રતિભા શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપોનું સંકલન જીવંત બનાવે છે.

આ સંગીત નાટિકાની પટકથા અને ગીતો પદ્મશ્રી વિજેતા પ્રસૂન જોશીએ તૈયાર કર્યા છે. પ્રસિધ્ધ સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા સંગીતબદ્ધ કરાયેલા 20 ઓરિજિનલ ગીતો થકી હ્રદયના તાર ઝણઝણાવી દેનારો સાઉન્ડટ્રેક એ તેની મંત્રમુગ્ધતાનો પૂરાવો છે. પ્રોડક્શન ડિઝાઇનિંગ એવોર્ડ-વિજેતા બોલિવૂડ પ્રોડક્શન ડિઝાઈનર ઓમંગ કુમારે કર્યું છે તથા નીતા લુલ્લાએ કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા છે, પાર્થિવ ગોહિલ અને વિરલ રાચ્છ ક્રિએટિવ પ્રોડ્યુસર્સ છે, જ્યારે પટકથા સંશોધન રાષ્ટ્રીય પુરસ્કાર-વિજેતા લેખક રામ મોરીએ કર્યું છે. કોરિયોગ્રાફર્સ બર્ટવિન ડી’સોઝા અને શમ્પા ગોપીક્રિશ્નાની અતિસુંદર નૃત્ય શ્રેણીઓને 60થી વધુ નૃત્યકારોએ પ્રસ્તુત કરી છે, તે કૃષ્ણની રંગોના વૈવિધ્યથી ભરપૂર દુનિયામાં ગરકાવ કરી દેશે. વિભોરે ખંડેલવાલ વિઝ્યુઅલ કન્ટેન્ટ ડાયરેક્ટર, વ્યાસ હેમાંગ કાસ્ટિંગ અને ડ્રામા ડાયરેક્ટર, અક્ષત પરીખ વોકલ કોચ, પલ્લવી દેવિકા એ કેશ અને મેકઅપ ડિઝાઈનર છે તથા અલોયસિયસ ડી’સોઝા લાઈટ પ્રોડ્યુસર છે.

આ પણ વાંચોAhmedabad BJP : ભાજપ કાર્યકરનો લેટરબોમ્બ બન્યો ચર્ચાનો વિષય, અમદાવાદ ભાજપના 4 નેતાઓના ભ્ર્ષ્ટાચારની ખોલી પોલ

Read More

Trending Video