Mumbai: સુરક્ષાના કારણોસર વિસ્તારાની ફ્લાઈટને શુક્રવારે તેનો રૂટ બદલવો પડ્યો હતો. વિસ્તારા બોઈંગ 787 એ Mumbaiથી ફ્રેન્કફર્ટ માટે ઉડાન ભરી હતી, પરંતુ તેને તુર્કી તરફ વાળવામાં આવી હતી. તે આજે સાંજે લગભગ 7.05 કલાકે એર્ઝુરમ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું. રિપોર્ટ અનુસાર ફ્લાઈટના ટોઈલેટમાં એક શંકાસ્પદ ટિશ્યુ પેપર મળી આવ્યું હતું જેના પર લખ્યું હતું કે, ‘વિમાનમાં બોમ્બ છે.’ ક્રૂ મેમ્બર્સને આ અંગેની માહિતી મળતા જ તેઓએ તરત જ પ્લેનને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
એરલાઈને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ફ્લાઈટમાં સવાર ક્રૂ સુરક્ષા એલર્ટથી વાકેફ થઈ ગયા હતા. આને જોતા, ફ્લાઇટ એર્ઝુરમ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી હતી. પ્રોટોકોલ મુજબ, સંબંધિત અધિકારીઓને તરત જ એલર્ટ કરવામાં આવ્યા હતા. નિવેદન અનુસાર, વિસ્તારા ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ કરવા માટે સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે. પ્લેનમાં સવાર મુસાફરો અને ક્રૂની સંખ્યા જેવી અન્ય વિગતો હાલમાં જાણી શકાઈ નથી.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ ધમકી મળી હતી
નોંધનીય છે કે દિલ્હીથી બર્મિંગહામ જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને ટેક્નિકલ ખામીની શંકાના કારણે સાવચેતીના પગલારૂપે બુધવારે મોસ્કોમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, જરૂરી તપાસ બાદ પ્લેન મોસ્કોથી ટેકઓફ થયું અને ગુરુવારે સવારે બર્મિંગહામ પહોંચ્યું. એવિએશન કંપની એર ઈન્ડિયાએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અધિકારીએ જણાવ્યું કે, શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાઓના કારણે વિમાને મોસ્કોના શેરેમેટ્યેવો એરપોર્ટ પર સાવચેતીભર્યું લેન્ડિંગ કર્યું હતું. તપાસ બાદ વિમાન બર્મિંગહામ માટે રવાના થયું હતું. વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તેની માહિતી ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: મુસ્લિમ દેશોની નજીક જઈ રહ્યા છે PM મોદી, બ્રુનેઈ મુલાકાતથી Pakistan બોખલાયું!