MP Train Accident: મધ્ય પ્રદેશમાં ટ્રેન દુર્ધટના , ઇટારસીમાં સમર સ્પેશિયલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા

August 13, 2024

MP Train Accident:  દેશમાં રેલ અકસ્માતમાં (Train Accident) સતત વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન રેલ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે.  મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઇટારસી (Itarsi) રેલવે સ્ટેશન પર ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતર્યા

પ્રાપ્ત જાણકારી મુજબ, મૈસુરથી રાણી કમલાપતિ તરફ જતી સમર સ્પેશિયલ ટ્રેન ઇટારસી જંક્શનના પ્લેટફોર્મ પર પ્રવેશી રહી હતી ત્યારે બે એસી કોચ પાટા પરથી ઉતરી ગયા હતા આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર બની હતી, જ્યાં બે એસી કોચ, B1 અને B2, પાટા પરથી ઉતરી ગયા હતા. જ્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ ત્યારે ટ્રેન 5 કિમીથી ઓછી ઝડપે દોડતી હોવાથી સંભવિત દુર્ઘટના ટળી હતી. અચાનક આવેલા જોરથી મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ બાબતની જાણ થતાં જ સ્થાનિક રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. થોડી જ વારમાં મુસાફરોને કોચમાંથી નીચે ઉતારવામાં આવ્યા. આમ સદનસીબે મોટી દુર્ધટના ટળી હતી.

 અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

પાટા પરથી ઉતરી જવાથી પ્લેટફોર્મ 2 અને 3 પર રેલવે ટ્રેક ખોરવાઈ ગયો છે. પરિસ્થિતિને પહોંચી વળવા અને પાટા પરથી ઉતરેલા કોચને પાટા પર પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

રેલ દુર્ઘટના મામલે વિપક્ષે રેલ મંત્રી પર કર્યા પ્રહાર

અગાઉ 30 જુલાઈના રોજ, ઝારખંડના ચક્રધરપુર નજીક હાવડા-CSMT એક્સપ્રેસના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને લગભગ 150 ઘાયલ થયા હતા. ત્યારે ઈટારસી રેલ્વે સ્ટેશન પાસે આ ટ્રેન દુર્ઘટનાનો વીડિયો શેર કરતા કોંગ્રેસે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર પ્રહારો કર્યા છે.”હવે મધ્ય પ્રદેશમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. નવી મોદી સરકારને સત્તામાં આવ્યાને 65 દિવસ થઈ ગયા છે. આ 65 દિવસમાં 17 ટ્રેન દુર્ઘટના થઈ છે. આ અકસ્માતોમાં 21 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે, પરંતુ રીલ મંત્રીને તેનાથી કોઈ ફરક નથી પડતો, તેમના માટે આ એક ‘નાની ઘટના’ છે.આ સાથે આપ પાર્ટીના નેતાઓ પણ આ મામલે રેલ મંત્રી પર પ્રહાર કરી રહ્યા છે.

આ  પણ વાંચો : Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આયોજિત ‘તિરંગા યાત્રા’માં ભાગ લેશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિત

Read More

Trending Video