Ambaji News : ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચાલતો ભાદરવી પૂનમનો મેળો ગઈ કાલે પૂર્ણ થઈ ગયો હતો. અંબાજીમાં ચાલેલા આ 7 દિવસીય મેળામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. જાણકારી ભાદરવી પૂનમના આ મેળામાં 48 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
માઈભક્તોનું ઘોડાપુર
અંબાજીમાં ભાદરવી પૂનમનું અનોખું મહત્વ હોય છે. આ મેળામાં લાખોની સંખ્યામા ભક્તો માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. ભાદરવી પૂનમનો આ મેળો 7 દિવસ ચાલે છે આ વખતે અંબાજીમાં 23 થી 29 સપ્ટેમ્બર સુધી મેળો યોજાયો હતો. આ વખતે મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. જાણકારી મુજબ છેલ્લા 7 દિવસમાં કુલ 48 લાખ 4 હજાર ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. આ વખતે 35 લાખથી વધુ શ્રદ્ધાળુ આવે તેવી અપેક્ષા હતી પરંતુ આ વખતે તેનાથી વધું અંદાજે 48 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
મંદિરને મળ્યું આટલું દાન
મેળામાં આવેલા ભક્તોએ પોતાની શ્રદ્ધા અને માનતા મુજબ મંદિરમાં દાન અને ભેટ આપ્યું હતું. જેના કારણે મંદિરમાં કરોડોની આવક પણ થઈ છે.
- આ વખતે મંદિરને 2.27 કરોડની દાન અને ભેટ મળી છે
- અંબાજી મંદિરને 521 ગ્રામ સોનાનું દાન મળ્યું છે
- અંબાજીમાં 7 દિવસમાં 19 લાખ 09 હજાર 747 મોહનથાળ પ્રસાદના પેકેટનુ વિતરણ થયું છે.
- આ વખતે 3,73,161 યાત્રાળુઓએ નિશુલ્ક ભોજન લીધુ હતું.
- મંદિરમાં 79,647 ચીક્કી પેકેટનું વિતરણ થયું હતું.
- આ વખતે અંબાજી મંદિરના શિખર પર 3,437 ધજાઓ ચઢી છે.
- મંદિરની કુલ આવક 7,15,78,522 રુપિયા થઇ છે.
વ્યવસ્થા
અંબાજીમાં 7 દિવસ સુધી ચાલેલા આ મેળામાં ગુજરાત અને ગુજરાત બહાર થી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. એસ.ટી બસ દ્વારા 8,84,433 ભક્તો અંબાજી પહોંચ્યા હતા. જ્યારે અન્ય લોકો પગપાળા પણ માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. આ વખતે અંબાજી મંદિરે આવનારા ભકતોને કોઈ તકલીફ ન પડે તે માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વિવિધ સમિતિઓ બનાવવામા આવી હતી. માઇ ભક્તો માટે ભોજન વ્યવસ્થા માટે પણ ઘણા બધા કૅમ્પો લાગ્યા હતા. આ માઈ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિર વહીવટી અને પોલીસ તંત્ર કામગીરીમાં જોડાયું હતું.