Modi Cabinet 2024: એનડીએ સરકાર (NDA) સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા પર આવી છે. 9 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ (Narendra modi) ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ભાજપ (BJP) અને સહયોગી પક્ષોના 71 સાંસદોએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદી સહિત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ બાદ સોમવારે નરેન્દ્ર મોદી કેબિનેટના તમામ મંત્રીઓના મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી કેબિનેટના તમામ મંત્રીઓએ PMO જઈને ચાર્જ સંભાળી લીધો છે. મંત્રીઓને ચાર્જ સંભાળી તાત્કાલિક કામ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. આજથી નરેન્દ્ર મોદીના તમામ 71 મંત્રીઓ એક્શન મોડમાં આવી જશે.
વિલંબ કર્યા વિના તેમની ફરજો સંભાળવા નિર્દેશ
શપથગ્રહણ બાદ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક 10 જૂને પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મોડી સાંજે કેબિનેટની બેઠક બાદ તમામ મંત્રીઓમાં તેમના મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી હતી. આ સાથે સરકારે તમામ મંત્રીઓને કોઈપણ વિલંબ કર્યા વિના તેમની ફરજો સંભાળવા નિર્દેશ આપ્યો હતો.ત્યારે આજે નવી સરકારમાં મંત્રી બનેલા મોટાભાગના સાંસદો આજથી મંત્રાલયમાં જશે અને પોતાનું કામ સંભાળશે.
PM મોદીએ બીજા દિવસે કાર્યભાળ સંભાળ્યો હતો
તમને જણાવી દઈએ કે શપથ લીધા બાદ PM મોદીએ બીજા દિવસે એટલે કે સોમવારે PMOનો હવાલો સંભાળ્યો હતો.ત્યારે હવે મોદી સરકારના તમામ મંત્રીઓને તાત્કાલિક ઓફિસમાં જઈને તેમના મંત્રાલયનું કામ સંભાળવાની સૂચના મળી છે.
કોને ક્યું ખાતું મળ્યું ?
સોમવારે તમામ મંત્રીઓને તેમના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી હતી. રાજનાથ સિંહ મોદી સરકારમાં ત્રીજી વખત રક્ષા મંત્રી બન્યા છે. અમિત શાહ ગૃહમંત્રી, નિર્મલા સીતારમણ ફાઇનાન્સ અને એસ. જયશંકરને બીજી વખત વિદેશ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ વખતે કૃષિ મંત્રાલયનો હવાલો પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો છે. હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર કેબિનેટમાં સામેલ થયા છે. મનોહર લાલને ઉર્જા મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.
બિહારના 8 સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા
નરેન્દ્ર મોદી કેબિનેટમાં બિહારના 8 સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. JDU સાંસદ લાલન સિંહ, JDU સાંસદ રામનાથ ઠાકુર, HAM સાંસદ જીતન રામ માંઝી, LJP (રામ વિલાસ) સાંસદ ચિરાગ પાસવાન, BJP MP ગિરિરાજ સિંહ, BJP MP નિત્યાનંદ રાય, સતીશ ચંદ્ર દુબે અને રાજભૂષણ નિષાદને મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gujarat Congress: ગુજરાત કોંગ્રેસ નેતાઓના દિલ્હીમાં ધામા, કોંગ્રેસ પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરવાની કવાયત