Anirudh Singh Ribda : રીબડાના (Ribada) અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudh Singh Jadeja) ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. હવે એવું લાગી રહ્યુ છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે તેમને ફરી એક વાર જેલમાં જવાનો વારો આવી શકે છે.
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો !
જાણકારી મુજબ, 15 ઓગસ્ટ 1988 ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ MLA પોપટ સોરઠીયાની (MLA Papat Soorthiya) ગોળી મારીને જાહેરમાં હત્યા કરી દેવાના ચકચારી કેસમાં આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પોપટ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારતી અરજી કરી હતી જેના આધારે ન્યાયમૂર્તિ ડી.એમ દેસાઈએ રાજ્ય સરકાર, પૂર્વે એડીજીપી ટી.એસ બિષ્ટ અને અનિરુદ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા છે. હવે આ કેસની વધુ સુનાવણી 28 ઓક્ટોબરે હાથ ધરાશે.
શું હતો સમગ્ર મામલો?
અનિરુદ્ધ સિંહે 1988માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોંગ્રેસ ધારાસભ્ય પોપટ સોરઠીયાને જાહેરમાં ગોળી મારી દીધી હતી, આ દરમિયાન ત્યા હાજર એસઆરપીના કેટલાક અધિકારીઓ દ્વારા અનિરુદ્ધ સિંહની અટકાયત કરવામાં આવી હતી અને તેની સામે આર્મ્સ એક્ટની સાથે હત્યા અને આતંકવાદી અને વિઘટનકારી પ્રવૃત્તિઓ (ટાડા) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે સુપ્રિમ કોર્ટે 1997માં અનિરુદ્ધ સિંહને દોષિત ઠેરવ્યા હતા અને તેને સખત આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ, અનિરુદ્ધ સિંહ શરણાગતિ સ્વીકારવાને બદલે ભૂગર્ભમાં જતા રહ્યા હતા. જે બાદ લગભગ ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા બાદ અનિરુદ્ધ સિંહે આખરે એપ્રિલ 2020 માં તેની આજીવન કેદની સજા ભોગવવા માટે આત્મસમર્પણ કર્યું. ત્યારે પોપટ સોરઠીયાની હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાએ સજા માફી કરવા માટેની એક અરજી કરી હતી. ત્યારે આ અરજીને જેલ વિભાગના IGએ સ્વીકારીને સજામાંથી માફી આપી દીધી હતી. જો કે,હરેશ સોરઠીયાએ એડવોકેટ સુમિત સિકરવાર મારફત અરજી દાખલ કરીને માફીને પડકારી હતી. તેમણે દલીલ કરી હતી કે 2017માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. અનિરુદ્ધ સિંહ ત્રણ વર્ષથી ફરાર હતો. તેથી, તેમને જેલમાં પાછા મોકલવા જોઈએ તેવી સોરઠીયાએ દલીલ કરી હતી.હવે આ કેસની વધુ સુનાવણી 28 ઓક્ટોબરે રાખી છે.ત્યારે આ કેસમાં શું ચુકાદો આવે છે તે જોવું રહ્યું .