અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ પહેલા મોહનથાળના સ્થાને ચિક્કીનો પ્રસાદ આપવાના નિર્ણયનો ભારે વિરોધ અને વિવાદ થયો હતો જે પછીથી આ નિર્ણય પરત ખેંચાયો હતો. આશરે 6 મહિના પહેલાના અંબાજીના પ્રસાદના વિવાદ બાદ હવે આ પ્રસાદ ફરી વિવાદમાં આવ્યો છે.
અંબાજીમાં પ્રસાદ બનાવવા માટે મોહીની કંપનીને કોન્ટ્રેક્ટ અપાયો હતો પરંતુ પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘીના સેમ્પલ ફેઈલ થતાં કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. છેલ્લા 6 મહિનાથી અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ કરતી કંપનીએ શું અત્યાર સુધી કંપનીએ નકલી ઘીનો પ્રસાદ માઈભક્તોને ખવડાવ્યો હશે તેવા સવાલો ઉઠી રહ્યાં છે તો બીજી તરફ તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નકલી ઘીનો જથ્થો સીઝ કરેલો હતો અને ભક્તોએ શુદ્ધ ઘીનો બનેલો પ્રસાદ જ આરોગ્ય છે.
ધારાસભ્યોના આક્ષેપો
અંબાજીના વિવાદ બાદ મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રેક્ટ ટચ સ્ટોન કંપનીને અપાયો છે. આ પહેલા આ કંપની દ્વારા વર્ષ 2012 થી 2017 દરમિયાન પ્રસાદ બનાવવાનું કામ કર્યું હતું. હવે ફરી આ કંપનીને કોન્ટ્રેક્ટ અપાતા કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ટચ સ્ટોન કંપની સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે પ્રસાદના કોન્ટ્રેક્ટમાં ચોરનો ભાઈ ઘંટી ચોર આવ્યો છે. ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું “ચોરના ભાઈ ઘંટી ચોર “ને કામ આપ્યું છે.
તેમણે કહ્યું કે, અગાઉ ટચ સ્ટોન કંપની અંબાજીમાં મોહનથાળ નું પ્રસાદ બનાવવાનું કામ કરતી હતી ત્યારે પ્રસાદમાં દૂધના પાવડરથી દૂધ બનાવી અને પ્રસાદ બનાવતી હતી. અંબાજી મંદિર દ્વારા અગાઉ આ કંપનીને 60 હજાર દંડ પણ ફટકારાયો છે. અગાઉ ભેળસેળ કરતા ઝડપાયેલી કંપનીને ફરી પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ અપાયો? તેમણે વધુમાં કહ્યું કે, પ્રસાદની શુદ્ધતા જાળવવી હોય તો અંબાજી મંદિરના કર્મચારીઓ દ્વારા જ પ્રસાદ બનાવો જોઈએ.
કલેક્ટરની સ્પષ્ટતા
બીજી તરફ બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ભક્તોની આસ્થા સાથે ચેડાં કરનારી મોહિની કેટરર્સના પોણા ત્રણ કરોડ રૂપિયાની રકમ અમે અટકાવી રાખી છે અને દેશના અનેક શહેરમાં જેમનું સારુ કામ છે તે ટચ સ્ટોન ફાઉન્ડેશનને એમડીએમનું કામ અપાયું છે. વર્ષ 2012 થી 2017 સુધી આ કંપનીએ મોહનથાળ બનાવવાનું કામ કર્યું હતું. જ્યારે યાત્રાધામમાં વધારે ભીડ હતી તે સમયે તેને દૂધની જગ્યાએ દુધનો પાઉડર મોહનથાળ બનાવવામાં વાપર્યો હતો જે મામલે તે કંપનીને 60 હજારનો દંડ કરાયો હતો. આ સિવાય તેને જેટલો સમય કામ કર્યું તે દરમિયાન તેના સામે એવો બીજો કોઈ કિસ્સો બન્યો નથી. તેમણે કોઈની મંજુરી વિના દુધના સ્થાને દુધનો પાઉડર વાપર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, પહેલા કરતા અત્યારે અમારી સિસ્ટમ વધારે મજબૂત છે એટલે સારી ગુણવત્તાનો પ્રસાદ ભક્તોને આપવા માટે પગલાં લેવાયા છે. જે લોકો આક્ષેપ કરવા હોય તેઓ કોઈપણ એજન્સીને કામ આપશું તો પણ આક્ષેપ કરશે. અમે જે પણ નિર્ણયો લઈ રહ્યા છીએ એ ભક્તો અને મંદિરના હિતમાં લઈ રહ્યા છીએ