રાજ્ય સરકારના UCC લાગુ કરવાના નિર્ણયનો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો વિરોધ, સરકારને આપી ચીમકી

February 4, 2025

MLA Chaitar Vasava on UCC :  ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યા પછી, હવે ગુજરાત દ્વારા પણ UCC લાવવાની તૈયારી થઈ રહી છે. આ મુદ્દે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં સીએમ પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં યુસીસી અંગે એક સમિતિની રચના કરી છે. ત્યાં રચાયેલી આ સમિતિ દ્વારા તમામ ધર્મોના ગુરુઓ સાથે ચર્ચા કર્યા પછી જ UCCનો અહેવાલ બનાવવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને ક્યાંક વધાવવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેનો વિરોધ કરવાનું પણ શરુ થયો છે. રાજ્ય સરકારના UCC લાગુ કરવાની તજવીજ સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) વિરોધ નોંધાવ્યો છે.

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ

ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે. 1 કરોડ 45 લાખ જેટલી વસ્તી આદિવાસી સમાજની છે. છતા પણ આ કમિટીમાં એક પણ આદિવાસી સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી.જે બતાવે છે કે, સરકાર આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે .

UCC  લાગુ થવાથી અમારા અધિકારો નષ્ટ થઈ જશે : ચૈતર વસાવા

આ સાથે તેમણે એમ પણ કહ્યુ કે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદી કાળથી જે રીત રિવાજો અને રુઢીઓ છે તે છીનવાઈ જશે. અમારા સમાજમાં પુખ્ત વયના દીકરા દીકરી ભાગી જાય છે સમાજના પંચ બેસીને તેને માન્યતા મળે છે. કોઈ વિધવા કે, વિધુરને પુનહલગ્નને માન્યતા મળે છે , બહુ પત્નીત્વને માન્યતા મળે છે. કોઈનો મન મેળાપ નથી થતો તેને છુટા છેડાની છુટ મળે છે. કોઈને દિકરીને જમાઈને ઉત્તરાધિકારી નક્કી કરવાની માન્યતા પણ મળે છે ત્યારે UCC લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે. અમને જે મૌલિક અને સંવિધાનિક અધિકારો જે મળ્યા છે. તે પણ નષ્ટ થઈ જશે, જળ, જંગલ જમીન પરના અને ખનીજો પરના અમારા અધિકારો નષ્ટ થઈ જશે.

ચૈતર વસાવાએ સરકારને આપી ચીમકી

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC માંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તેવી માંગ કરી છે. અને જો UCCમાં આદિવાસી સમાજને રાખવામાં આવશે તો આવનારા સમયમાં અમે ખુબ મોટુ આંદોલન કરીશુ.આ સાથે તેમણે સરકાર પર પ્રહારો કરતા કહ્યુ કે, સમાનતાની મોટી મોટી વાતો કરવનાર ભાજપ સરકારે આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો, અમારી 15 ટકા વસ્તી છે. તેમ થતા ન્યાય પાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિઓ નથી. કોર્પેરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી. સચિવાલયોમાં અમારા 15 સચિવો નથી. કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને સમાનતા આપવામાં આવી નથી. આવનારા સમયમાં આદિવાસી સમાજ રોડ પર ઉતરશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે.

 UCC માં આદિવાસીઓના સમાવેશને લઈને હર્ષ સંધવીએ શું કહ્યું ?

મહત્વનું છે કે,  આદિવાસીઓનો પણ આ કાયદામાં સમાવેશ કરવામાં આવશે કે કેમ તે અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, આદિવાસી સમાજના તમામ રિતિ રિવાજ અને કાયદાઓને નુકસાન ન પહોંચે તે પ્રકારે યુસીસીને અમે લાગુ કરીશું ત્યારે હવે આગામી સમયમાં સરકાર શું નિર્ણય લે છે તેના પર બધાની નજર રહેશે.

આ પણ વાંચો :  મતદાન પહેલા દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે આતિશી વિરુદ્ધ FIR કરી દાખલ,જાણો શું છે સમગ્ર મામલો?

Read More

Trending Video