આપણને સંવિધાનમાં મળેલા અધિકારોને ઘોળીને પી જનારા લોકો સત્તામાં બેઠા છે: ધારાસભ્ય ચૈતર વસાવા

January 6, 2025

Chaitar Vasava: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોશીના તાલુકા ખાતે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની (Jaipal Singh Munda) 122મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સત્તા પક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જયપાલસિંહ મુંડાએ આપણને સંવિધાન માટે અધિકારો આપ્યા છે, તેને ઘોળીને પી જનારા લોકો સત્તામાં બેઠા છે.

આદિવાસી સમાજના લોકોની જમીન મુદ્દે ચૈતર વસાવાના સરકાર પર પ્રહાર

ચૈતર વસાવાએ સરકાર સામે પ્રહાર કરતા કહ્યુ કે, આજે અનુસૂચિ પાંચ, પેસા એક્ટ, કે ગ્રામસભાનો પાવર હોય, આવા કોઈ મજબૂત કાયદાઓને અમલવારી થઈ રહી નથી. આજની સરકારો ગ્રામસભાના પાવરને તો દૂર પરંતુ ગ્રામસભાને જ માનવા તૈયાર નથી. આજની સરકારો પોતાની જોહુકમી ચલાવી રહી છે. 73AAના કાયદા અનુસાર આદિવાસીની જમીન કોઈ બીજાને વેચી શકાતી નથી, પરંતુ સરકારો અને કલેક્ટરો એજન્ટો બનીને આપણી જમીન વેચી રહ્યા છે.

ચૈતર વસાવાએ સરકાર સામે ઉઠાવ્યા સવાલ

ચૈતર વસાવાએ સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યુ કે, સરકારે શા માટે આપણી જમીનો લઈ લીધી છે? શા માટે આજ સુધી નર્મદા કેનાલના વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો? શા માટે ઉકાઈ ડેમ અને કરજણ ડેમના વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો? શા માટે સંવિધાનના પ્રાવધાનનું અમલીકરણ નથી થઈ રહ્યું?

ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજને એક થવા કર્યું આહવાન

વધુમાં ચૈતર વસાવાએ આદિવાસી સમાજના લોકોને આહવાન કરતા કહ્યુ કે, વન અધિકારી અધિનિયમ 2006 બન્યો, એમાં આદિવાસી લોકોને સત્તા આપવામાં આવી છે, કે જે જમીન ખેડશે તેમના દાવા મંજૂર કરવામાં આવશે. પરંતુ આ નિયમ હેઠળ પણ આદિવાસી લોકોને જમીનની સનદો આપવામાં આવતી નથી. આ તમામ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે આપણે બધા એક નથી. માટે જો આપણે આપણા આદિવાસી સમાજનો વિકાસ કરવો હશે અને આપણા પર થઈ રહેલા અત્યાચારોને અટકાવવા હશે તો આપણે તમામ લોકોએ એક થવું પડશે.

આ પણ વાંચો : Canada PM Justin Trudeau: જસ્ટિન ટ્રુડો પીએમ પદ પરથી આપશે રાજીનામું, અચાનક શું થયું?

Read More

Trending Video