PM નરેન્દ્ર મોદીનું માસિક રેડિયો પ્રસારણ, Mann Ki Baat ‘મન કી બાત’, રવિવાર (30 જૂન) ના રોજ ફરી શરૂ થશે. મન કી બાત એ વડાપ્રધાન મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ છે, જ્યાં તેઓ ભારતના નાગરિકો સાથે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરે છે.
આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. વડા પ્રધાન મોદીનું માસિક ‘મન કી બાત’ પ્રસારણ છેલ્લે 25 ફેબ્રુઆરીએ પ્રસારિત થયું હતું, ત્યારબાદ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.
“આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મન કી બાત આગામી ત્રણ મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે નહીં,” પીએમ મોદીએ તેમના કાર્યક્રમની 110મી આવૃત્તિમાં કહ્યું હતું.
અગાઉ 18 જૂનના રોજ પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે મન કી બાત 30 જૂનના રોજ ફરી શરૂ થશે. તેમણે MyGov ઓપન ફોરમ, નમો એપ પર અથવા 1800 11 7800 પર રેકોર્ડ સંદેશ દ્વારા તેમના રેડિયો પ્રસારણ માટેના તેમના વિચારો અને ઇનપુટ્સ શેર કરવા લોકોને પણ આહ્વાન કર્યું હતું.
“ચૂંટણીના કારણે થોડા મહિનાના અંતરાલ પછી, #MannKiBaat પાછી આવી છે તે જણાવતા આનંદ થાય છે! આ મહિનાનો કાર્યક્રમ 30 જૂન, રવિવારના રોજ યોજાશે. હું તમને બધાને તેના માટે તમારા વિચારો અને ઇનપુટ્સ શેર કરવા માટે આહ્વાન કરું છું. MyGov ઓપન ફોરમ, NaMo એપ પર લખો અથવા તમારો સંદેશ 1800 11 7800 પર રેકોર્ડ કરો,” PM મોદીએ X પરની પોસ્ટમાં જણાવ્યું હતું.
2024ની લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ હતી. મતોની ગણતરી કરવામાં આવી હતી અને 4 જૂને પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે 18મી લોકસભાની રચના થઈ હતી.