સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, કોંગ્રેસના ‘કોમનમેન’ કરશે કેસરિયા

March 6, 2024

Manavadar  : આવતી કાલથી રાહુલ ગાંધીની (Rahul gandhi) ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસમાંથી (Congress) એક બાદ એક રાજીનામાં પડી રહ્યા છે. ગઈ કાલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadia) અને અંબરીશ ડેરએ (Ambarish der) કેસરિયો ધારણ કરી લીધો હતો જે બાદ મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો પડવા જઈ રહ્યો છે. જાણકારી મુજબ માણાવદરના (Manavadar) કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) આજે સાંજ સુધીમાં રાજીનામુ આપશે.

ધારાસભ્ય અરવિંદ લાડાણી આપશે રાજીનામુ

પ્રાપ્ત જાણકારી મુજબ માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે સાંજ સુધીમાં રાજીનામુ આપશે. તેઓ આજે સાંજે 4.30 કલાકની આસપાસ વિધાનસભા અધ્યક્ષને મળી રાજીનામું આપશે. કહેવામા આવી રહ્યું છે કે, કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ લાડાણી ભાજપમાં જોડાશે.

સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક

જાણવા મળી રહ્યું છે કે, રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક મળી હતી. હાલ અરવિંદ લાડાણી કોઈનો કોલ પણ રિસીવ કરતા નથી. અને અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના નજીકના માનવામાં આવે છે. જેથી અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા બાદ લાડાણીને ભાજપમાં લઈ જઈ રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

કોણ છે અરવિંદ લાડાણી ?

1989માં તેઓ સૌપ્રથમવાર કોડવાવ ગામના સરપંચ બન્યા હતા. ત્યાર બાદ 1995થી કોડવાવ ગામની સહકારી મંડળી અને કેળવણી મંડળના પ્રમુખ રહ્યા. અરવિંદ લાડાણી 2019ની પેટાચૂંટણીમાં ભાજપના તત્કાલીન મંત્રી જવાહર ચાવડા સામે પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ જવાહર ચાવડા સામે 9000 મતથી હાર્યા હતા. જોકે કોંગ્રેસે ફરી એકવાર 2022માં તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી ટિકિટ આપી હતી ત્યારે તેમને પરિવારનું કોઈપણ જાતનું રાજકીય કનેકશન ન હોવા છતાં તેમણે પેથલજી ચાવડાનો રાજકીય વારસો ધરાવતા ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. અરવિંદ લાડાણી સાવ સાદા પેન્ટ-શર્ટમાં બાઇક પર ફરતા જોવા મળે છે તેમને કોમનમેનથી ઓળખવામા આવે છે.

આ પણ વાંચો : આ તારીખે BTP અધ્યક્ષ મહેશ વસાવા કરશે કેસરિયા, મનસુખ વસાવા સહીત નેતાઓએ કરી હતી મુલાકાત

Read More

Trending Video