Kolkata: પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મોટી કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે આખરે આરજી કારના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે. તેમને પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોમવારે સીબીઆઈએ આરજી કાર હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓના આરોપમાં સંદીપ ઘોષ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.
સંદીપ ઘોષ અને આર જી કાર હોસ્પિટલ આ દિવસોમાં વિવાદોમાં છે. અહીં 9 ઓગસ્ટના રોજ એક જુનિયર ડોક્ટર સાથે રેપ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંદીપ ઘોષની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. આ મામલે સીબીઆઈએ તેમની ઘણી વખત પૂછપરછ પણ કરી છે. સીબીઆઈએ તાજેતરમાં ડો. ઘોષનો પોલીગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો.
Kolkata રેપ કેસને લઈને સમગ્ર પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ભાજપ સહિત તમામ વિપક્ષી દળો સતત સંદીપ ઘોષ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. રેપ કેસના 26 દિવસ બાદ પશ્ચિમ બંગાળ સરકારે પૂર્વ આચાર્ય સંદીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે.
CBIએ સંદીપ ઘોષ વિરુદ્ધ FIR દાખલ કરી હતી
સીબીઆઈએ તાજેતરમાં જ આ કેસમાં એફઆઈઆર નોંધી હતી. ઘોષ અને અન્યો સામે કલમ 120B (ગુનાહિત કાવતરું), IPCની કલમ 420 (છેતરપિંડી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસોમાં સજાની વાત કરીએ તો 120Bમાં મહત્તમ 2 વર્ષથી આજીવન કેદ, 420માં મહત્તમ 7 વર્ષની સજા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ઘોષ ઉપરાંત સીબીઆઈએ આ કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બિપ્લવ સિંહા, સુમન હજારા, અફસર અલીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Manipur માં ડ્રોન બોમ્બનો ઉપયોગ, ભારત માટે કેમ ચિંતાનો વિષય ?