Maharashtra:મહારાષ્ટ્રના (Maharashtra) થાણે (Thane) જિલ્લાના ભિવંડીમાં (Bhiwandi ) ગણપતિ વિસર્જન (Ganpati Visharan) માટે ભગવાન ગણેશની મૂર્તિ લઈ જતી વખતે હંગામો થયો હતો. જેમાં એક મસ્જિદ પાસેની પ્રતિમા પર કેટલાક છોકરાઓએ પથ્થરમારો કર્યો હોવાના સમાચાર ફેલાઈ ગયા, જેના પછી ભીડ ગુસ્સે થઈ ગઈ અને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ કેસમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોલ્લા કમિટી અને પોલીસ દ્વારા વણઝરપટ્ટી નાકા ખાતે આવેલી હિન્દુસ્તાની મસ્જિદની બહાર મંડપ બાંધીને ગણેશ મંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પથ્થરમારામાં ગણપતિનું મૂર્તિ ખંડિત
મોડી રાત્રે લગભગ 12 વાગ્યે ભગવાન ગણેશને વિસર્જન માટે ઘુંઘાટ નગરથી કમવારી નદી તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. જ્યારે ગણેશજીની મૂર્તિ વણઝરપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સમાચાર આવ્યા કે એક મસ્જિદ પાસે કેટલાક છોકરાઓએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાને કારણે પ્રતિમા ખંડિત થઈ હોવાનું પણ કહેવાય છે. જો કે પોલીસ તેની તપાસ કરી રહી છે.
એક યુવકને ટોળાએ માર માર્યો
ઘટના બાદ મંડળના લોકોએ પ્રતિમા તોડવાને લઈને સ્થળ પર હોબાળો મચાવ્યો હતો. સૂત્રોનું માનીએ તો એક યુવકને ટોળાએ પકડીને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. મૂર્તિ વિસર્જન અંગે મંડળના લોકોએ માંગ કરી હતી કે જ્યાં સુધી પોલીસ તમામ આરોપીઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં.
તંગદિલીનો માહોલ સર્જાયો
ઘટનાની જાણ થતાં જ અન્ય કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. થોડી જ વારમાં બંને કોમના લોકોનું ટોળું વધી ગયું હતું અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. વાતાવરણ બગડતા જોઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસે લોકોને સમજાવ્યા જો કે, ગણેશ ભક્તો આરોપીઓની ધરપકડની માંગ સાથે અડગ રહ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ગણપતિ વિસર્જન કરવામાં આવશે નહીં. પોલીસ અને વધતા ટોળા વચ્ચે ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો, જેમાં ઘણા લોકોને ઈજા પહોંચી અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા.
ભાજપના ધારાસભ્ય સમર્થકો સાથે પહોંચ્યા
ભાજપના ધારાસભ્ય મહેશ ચૌઘુલે તેમના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ શિવાજી ચોક ખાતે લોકો સાથે એકઠા થયા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાફિઝની દરગાહ પહોંચ્યા હતા, જે બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.સ્થળ પર ડીસીપી શ્રીકાંત પરોપકારી, એડિશનલ કમિશનર જ્ઞાનેશ્વર ચવ્હાણે જણાવ્યું કે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. કેસ નોંધ્યા બાદ તપાસ ચાલી રહી છે. જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : ગેનીબેન ઠાકોરએ TET TAT ઉમેદવારોની કાયમી ભરતી માટે ઉઠાવ્યો અવાજ , મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત