Loksabha Candidate Amit Shah : દેશમાં રાજનીતિના ચાણક્ય તરીકેની ઓળખ ધરાવતા અમિત શાહ (Amit Shah ) એ ભાજપ (BJP)ના ધુરંધર નેતાઓમાંના એક છે. અમિત શાહની ચાણક્યનીતિથી ભાજપ હંમેશા જીત મેળવતું આવ્યું છે. અમિત શાહ કારકિર્દીની શરૂઆતથી જ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. પીએમ મોદી (PM Modi)ને બે વખત સત્તાના શિખર પર પહોંચાડવામાં અમિત શાહ (Loksabha Candidate Amit Shah)ની વ્યૂહરચનાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહની વ્યૂહરચના અને રાજનીતિમાં તેમની સફર વિશે વાત કરીએ.
દેશની રાજનીતિમાં અત્યારે કોઈ જાણીતા નામો હોય તો તે છે અમિત શાહ અને પીએમ મોદીની જોડી. જ્યારથી બંને રાજનીતિમાં સાથે આવ્યા છે ત્યારથી જીતના શિખરો સર કરતાં રહ્યા છે. કેન્દ્રમાં આ બંનેના નામથી વિરોધીઓ પાછા પગ કરી દે છે.
16 વર્ષે ‘તરુણ સ્વંયસેવક’ બન્યા
અમિત શાહે 1980માં 16 વર્ષની ઉંમરે માણસામાં ‘તરુણ સ્વંયસેવક’ તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી. આમ તેની 16 વર્ષની ઉંમરથી શરૂ થયેલી સફર 40 વર્ષ સુધી પહોંચી છે.
ABVPથી કારકિર્દીની કરી શરૂઆત
કોલેજનું શિક્ષણ મેળવાવ શાહ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેઓ સૌપ્રથમ વાર ABVPમાં જોડાય અને પોતાની રાજનૈતિક કારકિર્દીની શરૂઆત કરી. 1982માં બાયૉ-કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી રહેલા અમિત શાહને અમદાવાદ એબીવીપીમાં મંત્રી બનાવવામાં આવ્યા અને 1984-85માં ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા.
તેમને સૌપ્રથમ જવાબદારી નારણપુરા વોર્ડના પોલ એજન્ટ તરીકેની મળી. ત્યાર બાદ 1987માં ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા. ત્યાર બાદ શાહે પ્રથમ ચૂંટણી 1988માં પ્રાથમિક સહકારી સંઘની લડી હતી. જેમાં તેમનો વિજય થયો અને 1989માં ભાજપના અમદાવાદ શહેર સંગઠન મંત્રી બન્યા.
અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના ચૂંટણી ઇન્ચાર્જ બન્યા
1989માં ભાજપમાં અમદાવાદના સંગઠનમંત્રી બન્યા બાદ 1991માં તેમણે લાલકૃષ્ણ અડવાણીના અને 1997માં તેઓ અટલ બિહારી વાજપેયીના ગાંધીનગર લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ જવાબદારી સંભાળી હતી. અને તે બંનેને ચૂંટણીમાં ભવ્ય જીત મળી હતી.
પહેલી વિધાનસભા ચૂંટણી લડ્યા
અમિત શાહ અમદાવાદના સરખેજથી 1997માં પહેલી વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા. અને તેમ જીત મેળવી હતી. સાથે જ 1998માં શાહની ગુજરાત ભાજપના મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી અને 1999માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ બન્યા.
અમિત શાહ 5 વખત ધારાસભ્ય બન્યા
અમિત શાહના મૂળિયાં હવે રાજનીતિમાં ઊંડે ઉતારવા લાગ્યા હતા. 1998માં વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ સતત ચાર ટર્મ સુધી સરખેજના ધારાસભ્ય બન્યા હતા. અને 2012 થી 2017 સુધી પંચમી ટર્મની તેમણે ચૂંટણી નારણપુરથી લડી અને ત્યાંથી જીત્યા હતા. જ્યારે તેઓ 2002થી 2010 સુધી ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારના તેઓ ગૃહ રાજ્યમંત્રી રહ્યા હતા.
રાજકીય કારકિર્દીનો સૌથી મોટો વળાંક
ગૅંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેમનાં પત્ની કૌસર બીનું નકલી ઍન્કાઉન્ટર થયું તે કેસમાં અમિત શાહનું નામ આરોપી તરીકે આવ્યું, તે અમિત શાહની રાજકીય યાત્રા અને જીવનમાં સૌથી મુશ્કેલ સમય હતો. 2005માં તેઓ ગુજરાતમાં ગૃહ મંત્રી હતા ત્યારે આ ઘટના બની હતી. 2006માં સોહરાબુદ્દીનના સાગરીત તુલસી પ્રજાપતિની પણ નકલી ઍન્કાઉન્ટરમાં હત્યા થઈ તેમાં પણ અમિત શાહ આરોપી બન્યા હતા.
તુલસીરામ પ્રજાપતિ સોહરાબુદ્દીનના અપહરણ કેસમાં સાક્ષી પણ હતો. આ આરોપોને કારણે અમિત શાહે ઘણી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું.આ કેસમાં એટલા વળાંકો આવ્યા અને સ્થિતિ એવી રીતે બદલાતી રહી કે, તેની સાથે અનેક રાજકીય મુદ્દાઓ પણ જોડાઈ ગયા હતા.
આખરે તેમને આ કેસમાંથી મળી રાહત
ગુજરાત અને રાજસ્થાનના આઇપીએસ કક્ષાના અધિકારીઓ સહિત અનેક પોલીસોનાં નામો પણ બહાર આવ્યાં હતાં. આઇપીએસ ઓફિસર એમ. એન. દિનેશ, રાજકુમાર પાંડિયન અને ડી.જી.વણઝારા જેવા પોલીસ અધિકારીઓ અને અન્ય આરોપીઓ સાથે અમિત શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
અમિત શાહની ધરપકડ 25 જુલાઈ, 2010ના રોજ થઈ હતી અને તેમને 29 ઑક્ટોબર, 2010ના રોજ જામીન મળ્યા હતા. ઑક્ટોબર 2010થી સપ્ટેમ્બર 2012 સુધી તેમને ગુજરાતમાંથી હદપાર પણ કરવામાં આવ્યા હતા. લાંબી કાનૂની લડાઈ પછી આખરે 30 ડિસેમ્બર, 2014ના રોજ સીબીઆઈ કોર્ટે તેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા.
મરીઝની પંક્તિથી ફરી પાછા ફર્યા રાજનીતિમાં
જુલાઈ 2010માં સોહરાબુદ્દીનના કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ થઈ અને ત્યારબાદ ઓક્ટોબરમાં તેમનો જામીન પર છૂટ્યા બાદ હદપાર થયા ત્યારે ભાજપે યોજેલા સ્વાગત કાર્યક્રમમાં શાહે મરીઝની પંક્તિઓને જરા અલગ રીતે ટાંકી ભાવાર્થમાં કહ્યું હતું કે, ‘મારી ઓટ જોઈને કિનારે ઘર ન બાંધી લેતા સમુંદર છું હું ફરીવાર પાછો આવીશ’
2014 ની લોકસભાની ચૂંટણીથી તેમની રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય ભૂમિકા
2014માં લોકસભાની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન પદ માટે મોદીને ઉતારવામાં આવ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહને કમાન સોંપવામાં આવી. ત્યાર બાદ 2014માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા અને લોકસભા 2014માં ભાજપે ભવ્ય સફળતા મેળવતા તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી.
ત્યાર બાદ 2016માં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ફરી એક વાર પસંદગી થઈ. તેની સાથે સાથે 2016માં સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ બન્યા. ત્યાર બાદ 2017માં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા.
અમિત શાહે સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવ્યો
અમિત શાહના સહકાર ક્ષેત્રમાં રહેલા દબદબા અંગે વાત કરીએ તો તેઓ 22 જાન્યુઆરી 2000થી 22 ડિસેમ્બર 2002 સુધી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
રાજનીતિમાં ભાજપના ચાણક્ય ચેસના શોખીન
તેઓ 23 એપ્રિલ 2006થી 18 એપ્રિલ 2010 સુધી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના પ્રમુખ પદે રહ્યા હતા. જ્યારે 15 સપ્ટેમ્બર 2009થી 13 જૂન 2014 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ રહ્યા હતા. તેની સાથે સાથે બીસીસીઆઈના ફાયનાન્સ સમિતિના સભ્ય અને ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ હતા.આમ તેમણે તેમની રાજકીય કારકિર્દી સાથે અન્ય ઘણા મુખ્ય પાડો પર જવાબદારીઓ સંભાળી હતી.
અમિત શાહ એ ભાજપ (Loksabha Candidate Amit Shah)માં એક એવા નેતા છે જેમની વ્યુહરચના અને તેમની નીતિઓથી પક્ષને હંમેશા ફાયદો જ થયો છે અને તેના કારણએ પક્ષ હંમેશા જીત મેળવતો આવ્યો છે. ત્યારે આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં કઈ નીતિઓ દ્વારા જીત અપાવશે.